ધાનેરા, થરાદ, દાંતીવાડા સહિતના વિસ્તારોને સિંચાઈ માટે પાણી આપો, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
પાલનપુરઃ જિલ્લામાં ઉનાળાના પ્રારંભથી પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના ધાનેરા, થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા સહિતના તાલુકાને નર્મદાનું પાણી આપવા તેમજ સિપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારના લોકોને પાણી પૂરું પાડવા સહિત ખેડૂતોની સમસ્યાઓને લઈને ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરાના ખાતે પાણી અધિકાર માટે સભા ભરવામાં આવી હતી. તેમજ ધાનેરા શહેરમાં રેલી નીકાળી પ્રાંત કચેરી પહોંચી માટલાં ફોડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી માટે માંગ કરાઈ હતી.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. ત્યારે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ ઊંડા જતા અને પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે હવે પીવાના પાણી અને પશુપાલન માટે પણ પાણીની તંગી સર્જાતા ધાનેરા, થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા સહીતના તાલુકાને નર્મદાનું પાણી આપવા તેમજ સિપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારના લોકોને પાણી પૂરું પાડવા સહિત ખેડૂતોની અનેક સમસ્યાઓને લઈને રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરાના ખાતે ખેડૂતોની પાણી અધિકાર સભા યોજાઈ હતી. આ સભામાં અનેક ખેડૂત નેતાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ધાનેરા સહિતના તાલુકાઓમાં સિંચાઈના અને પીવાના પાણીની માંગ કરી હતી. ત્યારબાદ ખેડૂતો ધાનેરા શહેરમાં રેલી નીકાળી ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ પ્રાંત કચેરીમાં માટલા ફોડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ઉપરાંત ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોની પાણીની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.