Site icon Revoi.in

ગાંધીનગર RTOમાં નંબરોની હરાજીમાં જીજે 18 બીક્યુ 0001ના રૂપિયા 25.45 લાખ ઉપજ્યા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ લોકો પોતાના વાહનો પર પસંદગીના નંબરના શોખીન છે. શહેરની આરટીઓ કચેરીમાં 1 નંબર મેળવવા વાહનમાલિકે રૂ. 25.45 લાખની બોલી એક જ ઝાટકે લગાવી દીધી હતી. બીજી તરફ સર્વર ડાઉન થવાના કારણે પસંદગીનો નંબર લેવાનાં અનેક વાહનમાલિકોનાં સ્વપ્ના અધૂરાં રહી ગયાં હતાં. આરટીઓ કચેરીમાં નવી બીક્યુ સિરિઝ માટે ઓનલાઇન હરાજી યોજાઈ હતી, જેમાં જીજે 18 બીક્યુ 0001થી 0010 નંબરની 28.94 લાખ આવક થઈ હતી. જ્યારે ઓક્શન દરમિયાન અલગ અલગ વાહન માલિકોના પસંદગીના નંબરની 1 કરોડ કરતાં વધુની આવક થયાનો અંદાજ છે.

અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં કેટલાક લોકો પોતાના નવા વાહનો માટે પસંદગીના નંબર મેળવવા માટે લોખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. આવા શોખીન લોકોને મોંઘવારી પણ નડતી નથી. ગાંધીનગરમાં તાજેતરમાં આરટીઓમાં નવી બીક્યુ સિરીઝ માટે પસંદરીના નંબરોની બોલી બોલવામાં આવી હતી. જેમાં જીજે-18 બીક્યું 0001 નંબર રૂપિયા 25.45 લાખ ઉપજ્યા હતા. બીજી તરફ વાહનમાલિક પસંદગીના નંબર માટે રાતના 12 કલાક સુધી હરાજીમાં ભાગી લઈ શકતા હોય છે ત્યારે કેટલાક વાહન માલિકોએ આક્ષેપ કર્યો હતો કે, કર્મચારીઓએ જાણી જોઈને સર્વર ડાઉન કરી દેવાયું હતું. રાત્રે 11:55 મિનિટે સર્વર ડાઉન થતાં છેલ્લી મિનિટ સુધી નંબર માટે આવેલા ભાવ કરતાં વધારે ભાવ ભરવાની ઇચ્છા રાખતા વાહનમાલિકોની ઇચ્છા અધૂરી રહી હતી. જોકે, આ બાબતે એઆરટીઓ જે. એસ. ઝાલા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ સર્વર અમારી કચેરીમાંથી હેન્ડલ થતું નથી. સર્વર ડાઉન થવાની સમસ્યા દરેક કચેરીને લાગુ પડતી હોય છે, ત્યારે આ પાયાવિહોણા આક્ષેપ છે.