હિમાચલ પ્રદેશના કિન્નૌર-તિબેટ બોર્ડર પર શિપકિલા નજીક સેનાના છ જવાનો ગ્લેશિયરની ઝપટમાં આવવાથી મોતને ભેંટયા છે. જ્યારે એક જવાન લાપતા હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટનામાં પાંચ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને હજી એક જવાનના મૃતદેહની શોધખોળ થઈ રહી છે.
કિન્નૌરના કલેક્ટર ગોપાલચંદને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમા જણાવવામાં આવ્યું છે કે હાલ જાણકારી નક્કર નથી, કારણ કે સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ સેનાના કમાન્ડરની સાથેની વાતચીતના આધારે બુધવારે સવારે સેનાના 16 જવાનો નમજ્ઞાથી શિપકિલા નજીક પીવાના પાણીની લાઈને દુરસ્ત કરવા માટે અગિયાર વાગ્યે નીકળ્યા હતા.
પીવાના પાણીની લાઈન દુરસ્ત કરવા નીકળેલા જવાનો એક ગ્લેશિયરના પડવાને કારણે તેની ઝપટમાં આવ્યા હતા. જેમાં છ જવાનોના મોતને ભેંટયા હતા. જ્યારે એક જવાનને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક રેસક્યૂ કરવામાં આવ્યો હતો. જોકે પૂહ ખાતેની હોસ્પિટલમાં પહોંચવા સુધીમાં તેનું મોત નીપજ્યું હતુ.
જિલ્લા વહીવટી તંત્રે પોલીસ અને આઈટીબીપીની 27મી બટાલિયનના જવાનોને ઘટનાસ્થળે રવાના કર્યા છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ગોપાલચંદે જણાવ્યુ છેકે તેમને માહિતી મળતા જ એડીએમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે.