ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર
- આગામી દિવસોમાં ઠંડ વધશે
- ગાંધીનગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રી નજીક પહોંચ્યો
- અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોને કારણે મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 10 મોટા શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જ્યારે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ નગર રહ્યું હતું. નલિયામાં 10.01 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં રાતના સમયે ઠંડી પડતી હોવાથી લોકો ઠંડીથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે તેમજ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની સાથે તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડતીં 11 ડિગ્રી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ગુબાલી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડતાં 12.06 ડીગ્રીએ પહોંચ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડતાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી હતી. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ ખૂબ જ સૂકું રહેવાને કારણે 2થી5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો અંદાજ છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળાના આરંભ સાથે જ લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે.