નવી દિલ્હી: ભારતમાં વ્યાજ દર નિર્ધારણ કરનાર, RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ વધતી જતી મોંઘવારી પાછળ વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) એ કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ, ઈંધણ અને ખાદ્ય ચીજોના ભાવમાં વધારો અને રોગચાળાને કારણે માલસામાનની આપૂર્તિમાં વિક્ષેપને કારણે દેશમાં મોંઘવારી વધી છે. એમપીસીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું કે મોંઘવારી દરના લક્ષ્યાંકને હાંસલ ન કરી શકવાનું સૌથી મોટું કારણ વૈશ્વિક કોમોડિટીના ભાવમાં આવેલો વધારો છે.
ભારતનો છૂટક ફુગાવાનો દર છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં આરબીઆઈની 2 થી 6 ટકાના કમ્ફર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરબીઆઈ દ્વારા લખવામાં આવેલા પત્રમાં મોંઘવારી સંબંધિત ભાવિ યોજનાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ એ વાતનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેશ કદાચ મોંઘવારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. અગાઉ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે છૂટક ફુગાવાને નિયંત્રિત કરવામાં મળેલી નિષ્ફળતા અંગે છ સભ્યોની MPCની વિશેષ બેઠક બોલાવી હતી. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો ઓક્ટોબર મહિનામાં ઘટીને 6.77 ટકા થયો હતો, જે સપ્ટેમ્બર મહિનામાં 7.41 ટકા હતો. છેલ્લા 3 મહિનામાં છૂટક મોંઘવારીનું આ સૌથી નીચું સ્તર છે. જો કે, તે હજુ પણ આરબીઆઈના કમ્ફર્ટ ઝોનથી ઉપર છે.
આરબીઆઈના કમ્ફર્ટ ઝોનની ઉપલી મર્યાદા 6 ટકા છે. આ વર્ષે જાન્યુઆરીથી રિટેલ ફુગાવો 6 ટકાની સહનશીલ મર્યાદાથી ઉપર રહ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના તાજા આંકડાઓ દર્શાવે છે કે, ખાદ્ય ચીજોમાં ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં 8.6 ટકાની સરખામણીએ ઓક્ટોબરમાં 7.01 ટકા રહ્યો હતો. ઓક્ટોબર 2021માં છૂટક ફુગાવાનો દર 4.48 ટકા હતો. આ પહેલાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) આધારિત જથ્થાબંધ ફુગાવાના આંકડા પણ બહાર પાડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં તે 10.7 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 8.39 ટકા થયો હતો.
(ફોટો: ફાઈલ)