ગ્લોબલ વોર્મિંગઃ પીગળી રહેલા ગ્લેશિયર્સને પગલે મહાસાગરોના પાણીનું સ્તરમાં ચિંતાજનક વધારો
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી – વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) એ 2022 સીઝનનું તેનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, હવામાનની દ્રષ્ટિએ 2022 એટલું ખરાબ વર્ષ હતું કે એવું લાગતું હતું કે, લોકો તેના કારણે અરાજકતાનો શિકાર બન્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં આખું વિશ્વ જીવલેણ પૂર, દુષ્કાળ અને ગરમીના મોજા સામે લડી રહ્યું હતું.
WMOના સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2022ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરના મહાસાગરોની ઉષ્ણતા અને એસિડિટી તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતી અને એન્ટાર્કટિક સમુદ્રી બરફ અને યુરોપના બર્ફીલા આલ્પ્સ ગ્લેશિયર્સ તેમના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે દરિયાનું જળ સ્તર વધ્યું છે. આ સાથે, હવામાં હીટ-ટ્રેપિંગ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ આધુનિક રેકોર્ડ્સમાં સૌથી વધુ નોંધાયેલું છે.
વિશ્વમાં હવામાનની સ્થિતિ ચકાસવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ચકાસાયેલ હિમનદીઓ માત્ર 2022માં લગભગ 1.3 મીટર એટલે કે 51 ઈંચ સુધી પીગળી ગઈ છે. આ સાથે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા ગ્લેશિયર્સમાં પણ ઉનાળાની ઋતુમાં બિલકુલ બરફ બચ્યો નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરિયાનું જળસ્તર 1990ના દાયકાની સરખામણીમાં ડબલ ઝડપથી વધી રહ્યું છે. WMOના મહાસચિવ પીટરી તાલાસે કહ્યું કે ઝડપથી પીગળી રહેલા ગ્લેશિયર્સને કારણે આ સદીના અંત સુધીમાં મહાસાગરોનું પાણીનું સ્તર 20 થી 39 ઇંચ (એકથી દોઢ મીટર) વધી શકે છે.
તેમણે ચેતવણી આપી હતી કે, કાર્બન અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન પર નિયંત્રણો હોવા છતાં, હવામાનની પેટર્ન અને તમામ પરિમાણોમાં નકારાત્મક ફેરફારો 2060 સુધી ચાલુ રહી શકે છે. તલાસના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ પહેલાથી જ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડી ચૂક્યું છે, જેના કારણે વિશ્વ પહેલાથી જ ગ્લેશિયર્સ પીગળવાની અને સમુદ્રનું સ્તર વધવાની રમત હારી ચૂક્યું છે.