ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં પાટનગર યોજના વિભાગ તેમજ મ્યુનિની જમીનો, ખાલી પ્લોટ્સ પર થયેલા દબાણો હટાવાયા બાદ થોડા દિવસોમાં ફરી તે જગ્યાઓ પર દબાણો થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કરોડોની કિંમતના ખાલી પ્લોટ્સ પર કમ્પાઉન્ડ વોલ બનાવવાની જીએમસી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જેને મંજુરી મળ્યા બાદ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારમાં પાટનગર યોજના વિભાગની જમીન પર થયેલાં દબાણો હટાવવા માટે મ્યુનિ,કોર્પોરેશન મેદાને ઉતર્યું છે. પણ દબાણો હટાવ્યા બાદ ફરી દબાણો કરી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. બીજી બાજુ પાટનગર યોજના વિભાગ હસ્તકના મેદાનો પર દબાણો અટકાવવા માટે આગામી સમયમાં કમ્પાઉન્ડ વોલ કરવાની વિચારણા કરાઈ રહી છે. તંત્રમાં હજુ પણ આ કામગીરી માટેની આખરી મંજૂરી મળેલ નથી. પરંતુ પ્રાથમિક ધોરણે આ પ્રકારના કામ હાથ ધરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાખોના ખર્ચે તંત્ર દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવાનું આયોજન છે. ત્યારે પાટનગર યોજના વિભાગની જમીન પર વર્ષોથી દબાણ કરીને બેઠેલાં ગેરકાયદે રહેવાસીઓ સહિત અન્ય વ્યવસાય કરનારાઓ સામે જીએમસી દ્વારા પગલાં ભરતાં હવે પાટનગર યોજના વિભાગ પણ આ બાબતે સફાળું જાગેલું જોવાં મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટનગર યોજના વિભાગ હસ્તકની જમીન પરના દબાણ અટકાવવાની જવાબદારી જીએમસીએ ઉપાડી છે, ત્યારે નાછૂટકે પાટનગર યોજના વિભાગને દબાણ અટકાવવાની ફરજ પડી છે. જો કે આ બાબતે તંત્ર ખરેખર કેટલી કામગીરી કરશે તે તો આગામી સમય જ બતાવશે. અગાઉ પણ જીએમસીએ શહેરમાં વધતા દબાણો અટકાવવા માટે સેક્ટર વિસ્તારોના કોમન પ્લોટ ઉપર ફેન્સિંગની કામગીરી હાથ ધરી હતી.