ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરનો છેલ્લા દશકામાં સારોએવો વિકાસ થયો છેય શહેરની વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. શહેરમાં અનેક નાના-મોટા રસ્તાઓ પર ફેરિયાઓ બેસીને વેપાર કરીને રોજગાર મેળવી રહ્યા છે. એટલે રોડ-રસ્તાઓ પર દબાણનો પ્રશ્ન નિવારવા માટે અને વિવિધ સ્થળોએ લારી- ગલ્લા મૂકી વેપાર કરતા ફેરીયાઓને શહેરમાં ચોક્કસ સ્થળ નક્કી કરવા માટે ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલો સ્ટીટ વેન્ડર અને પાર્કિંગ માસ્ટર પ્લાન હવે આખરી તબક્કામાં છે. આ નવી પોલીસી મુજબ શહેરમાં ફેરીયાઓને વેપાર કરવા માટે 23 જેટલા લોકેશન નિયત કરવામાં આવ્યા છે. 6 હજાર જેટલા ફેરીયાઓને આ સ્થળે જગ્યા ફાળવવામાં આવશે. જોકે, તે જગ્યા પર માલિકી હક્ક નહીં મળે પણ ફેરિયાઓ એકસાથે બેસીને વેપાર કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં હાલ વિવિધ રસ્તાઓ, જાહેર સ્થળોએ અને વાણિજ્ય વિસ્તારમાં પાર્કિંગ તેમજ રસ્તા પર લારી-ગલ્લાઓ આડેધડ ઊભા રહે છે. જેના કારણે ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો વિકટ બન્યા છે. જાહેર માર્ગો પર અડચણરૂપ લારી ગલ્લાને કારણે વારંવાર દબાણ હટાવવાની કવાયત કરવી પડે છે. આ સ્થિતિ નિવારવા અને શેરી ફેરીયાઓ કોઇપણ અડચણ વિના ચોક્કસ સ્થળે પોતાનો ધંધો કરી શકે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં આ મુદ્દે મ્યુનિ.ના મેયર હિતેષ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કન્સલ્ટન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા સાથે ક્રેડાઇ સાથે જોડાયેલા બિલ્ડરો પણ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર્સને જગ્યા ફાળવવાના સ્થળો અને સાથે પાર્કિંગની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી. શહેરમાં અલગ અલગ 23 જેટલા સ્થળોએ હાલ 6 હજાર જેટલા ફેરીયાઓ છે. જેઓ હાલ અલગ અલગ છૂટા છવાયા ઉભા રહે છે. તેમને સંગઠીત કરીને ચોક્કસ સ્થળ ફાળવવામાં આવશે. આ 23 સ્થળોએ મ્યુનિ. હસ્તકના ખુલ્લા પ્લોટ, મેદાન વગેરેમાં જગ્યા ફાળવવામાં આવશે. આ સાથે આ સ્થળોએ ખરીદી કરવા માટે આવતા નાગરિકોના વાહનોના પાર્કિંગ માટેની સુવિધા પણ રખાશે. હાલ મ્યુનિ. પાસે 6 હજાર ફેરીયાઓનો ડેટા છે. આ સિવાય સર્વે કરીને વધારે ફેરીયાઓ હશે તો તેને પણ આવરી લેવાશે.