લખનૌઃ જ્ઞાનવાપી મામલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ વારાણસી કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજુ કર્યો હતો. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરએ વારાણસીના જિલ્લા જજ સમક્ષ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધારે પેજનો છે. જેમાં 250થી વધારે સાક્ષ્ય રજુ કર્યાં છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલે રજુઆત કરી હતી કે, રિપોર્ટ સાર્વજનિક કરવો જોઈએ. આ ઉપરાંત તમામ પક્ષોને રિપોર્ટની નકલ પુરી પાડવા માટે વિનંતી કરી હતી. દરમિયાન મુસ્લિમ પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે, આ રિપોર્ટને પબ્લીક ડોમેનમાં ન લાવવો જોઈએ. હવે આ અંગે તા. 21મી ડિસેમ્બરના રોજ અદાલત પોતાનો ચુકાદો જાહેર કરશે. અગાઉ રિપોર્ટ રજુ કરવા માટે એએસઆઈએ બે વખત સમય માંગ્યો હતો. જે અદાલતે ગ્રાહય રાખ્યો હતો.
એએસઆઈએ વારાણસી જિલ્લા ન્યાયધીશના 21મી જુલાઈના આદેશ અનુસાર વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. જેથી નિર્ધારિત કરી શકાય કે, મસ્જિદના નિર્માણ પહેલા અહીં મંદિર હાજર હતું કે નહીં. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે એએસઆઈ સર્વેને અટકાવવાની માંગણી સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો.
જ્ઞાનવાપીમાં જ્યારે સર્વે કરાયો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, સંકુલમાંથી અનેક હિન્દુઓના ધાર્મિક પ્રતિક મળી આવ્યા હતા. જો કે, એએસઆઈના સર્વેમાં શું સામે આવ્યું છે તે આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે.