મોરબીથી બાલાસોર સુધી ‘જ્ઞાનોદય’ અને ‘ઉત્થાન’ની ઉડાન, બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા અદાણી ફાઉન્ડેશનના ભગીરથ પ્રયાસો
30 ઑક્ટોબર 2022 ના રોજ ગુજરાતમાં ભયાનક અકસ્માતથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર 1880માં બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થતા 135 લોકો અકાળે મોતને ભેટ્યા હતા. કેટલાયે લોકોએ માતા-પિતા ગુમાવ્યા તો કેટલાકે વહાલ સોયા સંતાનોને ગુમાવ્યા. સત્તાવાર આંકડા મુજબ 7 બાળકોએ માતા-પિતાને તો 12 બાળકોએ માતા-પિતામાંથી એકને ગુમાવ્યા હતા. એક બાળક એવું પણ હતું જેણે જન્મતા પહેલા જ પિતાને ગુમાવી દીધા.
- હર્ષિમાં હર્ષ અને જીવાંશના જીવનમાં જીવ આવ્યો!
7 વર્ષીય હર્ષિ ચાવડા અને 8 વર્ષીય જિયાંશના મા-બાપ તેમની નજર સામે મચ્છુમાં ડૂબી ગયા. હર્ષિ તેના માતા ભાવનાબેન અને પિતા અશોકભાઈ સાથે અમદાવાદથી મોરબી ફરવા આવી હતી. મેડિકલ સ્ટોરમાં દવાઓ સપ્લાય અશોકભાઈની એકમાત્ર આવક પર કુટુંબ નિર્ભર હતું. 70 વર્ષીય હર્ષિની દાદીએ ચિંતા વ્યક્ત કરતા જણાવે છે કે ઉંમરના આ પડાવે કેટલા સમય સુધી હર્ષિની સંભાળ રાખી શકીશું તેની કોઈ ખબર નથી.
મોરબીમાં રહેતા હાર્દિક અને તેની પત્ની મીરલ 8 વર્ષીય પુત્ર જીયાંશ સાથે મોરબી બ્રિજ પર ફરવા ગયા હતા. ત્રણેય સાંજે લગભગ 6 વાગ્યે પુલ પર પહોંચ્યા અને થોડી જ વારમાં પુલ ધરાશાયી થઈ ગયો. હાર્દિક અને મિરલનું ડૂબવાથી મોત નીપજ્યુ જ્યારે જિયાંશનો આબાદ બચાવ થયો. જિયાંશનો જીવ તો બચી ગયો પરંતુ તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી. હર્ષિ અને જિયાંશ જેવા અનેક બાળકોની મદદ માટે અદાણી ફાઉન્ડેશને હાથ લંબાવ્યો.
હાલમાં જીયાંશ હળવદની માહી સ્કૂલમાં ધોરણ-1 માં અભ્યાસ કરે છે. દાદા-દાદી તેની સંભાળ લઈ રહ્યા છે. બીજી તરફ હર્ષિ પણ વાસણા (અમદાવાદ)ના શારદા મંદિરમાં ધોરણ-1માં અભ્યાસ કરે છે. ઘણા લોકો તેને દત્તક લેવા આગળ આવ્યા પરંતુ તે દાદા-દાદી સાથે જ રહેવા માંગે છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી મદદ બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવી રહી છે. અદાણી ફાઉન્ડેશને 20 બાળકો માટે નિસ્ચિત રકમ ફિક્સ ડિપોઝિટમાં જમા કરાવી છે જેથી મૂળ રકમ અકબંધ રહે અને વ્યાજમાંથી તેમની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.
- ગર્ભસ્થ શીશુની જવાબદારીઓ સ્વીકારી
મોરબીની દુર્ઘટનામાં પતિ ગુમાવનાર મુમતાઝ સુમરા ગર્ભવતી હતી. અદાણી ફાઉન્ડેશનની નાણાંકીય સહાયથી તેની જરૂરિયાતો, તબીબી ખર્ચાઓ અને નવજાત પુત્ર રત્નાની સારસંભાળ રાખવામાં મદદ મળી રહી છે. અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર જાગૃતિ જોષી જણાવે છે કે “16 મે, 2023ના રોજ પુત્રજન્મ થતાં જ મુમતાઝે ફોન કરીને મને ઘરે આમંત્રણ આપ્યું હતું. મુમતાઝે મને તેના પુત્રની તસવીર મોકલી અને અમે તરત જ તેને મળવા પહોંચ્યા હતા”.
- મોરબીથી બાલાસોર સુધી બાળકોની વહારે
અદાણી ફાઉન્ડેશનની ટીમ તમામ સહાય મેળવતા બાળકો અને તેમના માતા-પિતાના સંપર્કમાં રહે છે. તાજેતરમાં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે ફાઉન્ડેશન માતાપિતા ગુમાવનાર બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવશે. અદાણી ગ્રૂપ ખાસ કરીને વંચિત વર્ગના બાળકો માટે સમાન શિક્ષણ સુનિશ્ચિત કરવામાં માને છે.
એ જ કારણે અદાણી ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન બાળકોને ઓછામાં ઓછા ખર્ચે કે વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રયાસરત છે. 4 અદાણી વિદ્યામંદિરમાં શિક્ષણ સંપૂર્ણપણે નિ: શુલ્ક આપવામાં આવે છે. અદાણી વિદ્યામંદિર શાળાઓ અમદાવાદ, ભદ્રેશ્વર, સુરગુજા, કૃષ્ણપટ્ટનમમાં ચલાવવામાં આવે છે. એટલું જ નહીં, ભારતભરમાં સબસિડી ધરાવતી 26 શાળાઓ ચલાવવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં અદાણી વિદ્યામંદિર શાળાઓએ 3,094 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ સહિત પરિવહન સુવિધાઓ, આરોગ્યપ્રદ ખોરાક અને ગણવેશ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી છે. આ જ સમયગાળામાં 26 અદાણી શાળાઓએ 26,336 વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ પૂરું પાડ્યું હતું.
- ‘જ્ઞાનોદય’ અને ‘ઉત્થાન’ની ઉડાન
અદાણી ફાઉન્ડેશન 552 સરકારી શાળાઓમાં વર્તમાન શૈક્ષણિક તંત્રને મજબૂત કરવા 1 લાખ 13 હજારથી વધુ બાળકો સુધી ‘ઉત્થાન’ અને ‘જ્ઞાનોદય’ જેવા કાર્યક્રમો ચલાવી રહ્યું છે. જ્ઞાનોદયના માધ્યમથી ગોડ્ડા (ઝારખંડ)ની 316 સરકારી શાળાઓમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યાં છે. ઉત્થાનનો લાભ 4 રાજ્યો – ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની 236 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 32 હજારથી વધુ બાળકો સુધી પહોંચી રહ્યો છે.
અદાણી ફાઉન્ડેશન અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીના જીવનથી પ્રેરિત પ્રોજેક્ટ ઉડાન પણ ચલાવે છે. જેમાં બાળકોને મુંદ્રા પોર્ટની મુલાકાત કરાવવામાં આવે છે. બાળપણમાં કંડલા પોર્ટના પ્રવાસ બાદ જ ગૌતમ અદાણીએ બંદર બનાવવાનું સપનું જોયું હતું.