નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિંદુ પક્ષને રાહત મળી છે. કોર્ટે હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજીનો સ્વીકાર કરી લીધો છે. અરજીમાં મસ્જિદના વજૂખાનાના આખા ક્ષેત્રની સફાઈ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવાની માગણી કરી હતી. કોર્ટે હિંદુ પક્ષને વજૂખાનાની સફાઈની પરવાનગી આપી છે.
અદાલતે કહ્યુ છે કે સફાઈ કાર્ય જિલ્લાધિકારીની દેખરેખમાં કરવું જોઈએ. હિંદુ પક્ષે વજૂખાનાને ખોલીને ત્યાં સફાઈની માગણી કરી હતી. આ માગણીનો મુસ્લિમ પક્ષે પણ વિરોધ કર્યો હતો. વજૂખાનામાં શિવલિંગ જેવી રચના મળવા પર સુપ્રીમ કોર્ટના આદેશથી સ્થાનને સીલ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વજૂખાનમાં જ શિવલિંગ મળવાનો દાવો કરાતો રહ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મસ્જિદ પક્ષે કહ્યું હતું કે તેમને આ અરજી પર કોઈ વાંધો નથી. હિંદુ પક્ષે કથિત શિવલિંગની ટેન્કમાં માછલીઓના મોત બાદ ફેલાયેલી ગંદગીને તાત્કાલિક સાફ કરવાની માગણી કરી હતી. હિંદુ પક્ષે કહ્યુ છે કે અમારી માન્યતા પ્રમાણે ત્યાં શિવલિંગ છે અને શિવલિંગને કોઈપણ પ્રકારની ગંદગી, મરેલા જીવોથી દૂર રાખવાની જરૂર છે. આ પ્રકારની ગંદગી વચ્ચે શિવલિંગનું રહેવું અસંખ્ય શિવભક્તોની ભાવનાઓને આઘાત પહોંચાડનારું છે.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને સીજેઆઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની યાદી પ્રમાણે આ મામલે 19 જાન્યુઆરીએ સુનાવણી પર લીધો છે. સારું થશે જો કોર્ટ આના પહેલાની સુનાવણીની કોઈ તારીખ આપે. ચીફ જસ્ટિસે કહ્યુ કે તમે આના માટે ઈમેલ મોકલો અને રજિસ્ટ્રીની સામે મામલો મૂકો. અમે જોઈશું કે મામલો ક્યારે સુનાવણીની યાદીમાં લેવાય શકાય છે.
હિંદુ પક્ષે આ સ્થાન પર મંદિર બહાલ કરવાની માગણી કરી છે, જ્યાં હાલ જ્ઞાનવાપી મસ્જિદ છે. હિંદુ પક્ષ પ્રમાણે, જ્ઞાનવાપી મસ્જિદ, મંદિરનો ભાગ છે. મહત્વપૂર્ણ છે કે જ્ઞાનવાપી પરિસરનો વિવાદ લગભગ 350 વર્ષ જૂનો છે, જ્યારે મુઘલ બાદશાહ ઔરંગઝેબનું શાસન હતું. હિંદુ પક્ષનું કહેવું છે કે 1669માં ઔરંગઝેબના આદેશ પર મંદિર ધ્વસ્ત કરીને ત્યાં મસ્જિદ બનાવાયું.
21 જુલાઈ, 2023ના રોજ જિલ્લા જજ ડૉ. અજય કૃષ્ણએ સીલ વજૂખાનાને છોડીને જ્ઞાનવાપી પરિસરમાં સર્વેનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટે એએસઆઈ સર્વેને મંજૂરી આપી હતી. આ દરમિયાન કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મામલામાં સર્વેક્ષણથી સ્થિતિ સ્પષ્ટ થાય છે, તો કોઈ પક્ષને મુશ્કેલી હોવી જોઈએ નહીં.