નવી દિલ્હીઃ ગોવા વિધાનસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, તે પહેલા જ કોંગ્રેસ એક્ટિવ બની છે અને ભૂતકાળ થયેલી ધારાસભ્યો તૂટવાના બનાવોને અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને સેફ જગ્યા ઉપર લઈ જવાયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા વિધાનસભાની ગત ચૂંટણીમાં 17 બેઠકો ઉપર જીત છતા કોંગ્રેસ સરકાર બનાવી શકી ન હતી. જેથી આ વખતે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે અગાઉ જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગોવાના ઉમેદવારોને એક હોટલમાં રાખવામાં આવ્યાં છે જ્યારે દક્ષિણ ગોવાના ઉમેદવારોને સેફ સ્થળ ઉપર લઈ જવાયાં છે. કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદંબરમ, એઆઈસીસી ગોવાના પ્રભારી દિનેશ ગુંડ્ડુ રાવ, વિપક્ષના નેતા દિવંબર કામત અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ગીરિશ ચોડનકર પણજીમાં ઉમેદવારોની સાથે જ છે. 5 માર્ચના રોજ આ નેતાઓ રાહુલ ગાંધીને મળ્યાં હતા અને ત્યાં જ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અમિત પાલેકરએ જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસમાં ભાજપ તરફથી તડજોડની નીતિ અપનાવવામાં આવશે. તેમજ એનજેપી સાથે ગઠબંધન કરી શકે છે. અમે અમારા તમામ ઉમેદવારોને બે દિવસ પહેલા જ મળ્યાં હતા. તેમજ અમને તેમની ઉપર ભરોસો હોવાથી કોઈ હોટલમાં લઈ નથી ગયા. તેમજ ઉમેદવારોની પસંદગી માટે ઘણી મહેનત કરી હતી. ગોવા ફોર્વર્ડ પાર્ટીના ચીફ વિજય સરદેસાઈએ જણાવ્યું હતું કે, મારા સહિત 3 ઉમેદવારો કોઈ ભોગે ભાજપને સમર્થન નહીં આપીએ. મને મારા ઉમેદવારો ઉપર ભરોસો છે એટલે તેમને એક જગ્યાએ રાખવામાં આવ્યાં નથી.
(Photo-File)