ગોવાના CM પ્રમોદ સાવંતની સરકારના મંત્રીઓએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું
લખનૌઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યાં છે. પરષોત્તમ મર્યાદા શ્રી રામના દર્શન કરવા માટે દેશની સામાન્ય જનતાની સાથે મહાનુભાવો પણ અયોધ્યા જઈ રહ્યાં છે. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સહિતના સેલિબ્રીટી પણ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવી ચુક્યાં છે. જ્યારે ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની સરકારના મંત્રીઓએ અયોધ્યાનો પ્રવાસ કરીને રામલલાના દર્શન કર્યાં હતા. દરમિયાન આજે ગોવાના સીએમ પ્રમોદ સાવંતના કેબિનેટ મંત્રીઓ અયોધ્યા પહોંચ્યા હતા અને પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે ગોવાની આખી કેબિનેટ રામલલાના દરબારમાં પહોંચી હતી અને દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે આવેલા તમામ 51 સભ્યોએ રામલલાના ચરણોમાં માથું નમાવ્યું હતું. જ્યારે બધા અયોધ્યા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેકને ઈ-બસ દ્વારા એરપોર્ટથી રામ મંદિર સંકુલ સુધી લઈ જવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી સતીશ શર્મા, અયોધ્યાના ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા, મેયર મહંત ગિરીશપતિ ત્રિપાઠી અને જિલ્લા પંચાયત પ્રમુખ રોલી સિંહે એરપોર્ટ પર તમામનું સ્વાગત કર્યું હતું.