નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચુકેલા સ્વ. મનોહર પર્રિકર, ને શ્રદ્ધાંજલિ રૂપે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોપા, ગોવાને ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ – મોપા, ગોવા’ નામ આપવા માટે તત્કાલીન અનુમોદન આપ્યું છે.
ગોવા રાજ્યના લોકોની પ્રિય આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, ગોવાના મુખ્યમંત્રીએ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોપા, ગોવાનું નામ બદલીને ‘મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ – મોપા ગોવા રાખવાના ગોવા રાજ્ય સરકારના કેબિનેટના સર્વાનુમતે નિર્ણયની જાણ કરી હતી.
મોપા, ગોવાના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ડિસેમ્બર, 2022માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક ગોવાના નિર્માણમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે આ એરપોર્ટનું નામ સ્વ. ડૉ. મનોહર પર્રિકર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના ભૂતપૂર્વ રક્ષા મંત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે.