અમદાવાદઃ ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે. વર્ષ 2002થી નાસતો ફરતો આરોપી રફીક ભટુક 19 વર્ષ બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ઘરે આવતાં પોલીસે ઝડપી લીધો હતો. ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક ભટુકની કોર ગ્રુપ સભ્ય તરીકે ભૂમિકા હતી.
ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુન્હામાં મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને સ્પેશ્યલ કોર્ટે પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે ગુનામાં દોષિત ઠેરવી આજીવનકેદની સજા ફટકારી છે. સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં વોન્ટેડ રફીક ભટુક 19 વર્ષથી નાસતો ફરતો હતો. જેની ગોધરા એસ.ઓ.જી. અને ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ ટીમે તેના ઘરેથી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તેની ધરપકડ કરી હતી
ગોધરામાં 2002માં ટ્રેન સળગાવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. રફીલ હુસેન ભટુકે ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું. તે આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિલ્હીમાં રહેતો હતો. પરંતુ પાછલા વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી. રેલવે પોલીસની ફરિયાદમાં ભટુકને કોર ગ્રુપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો.
અત્રે નોંધનીય છે કે હુસેન ભટુક હાલ ગોધરામાં સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદની પાસે ઘરે આવીને છુપાયો હોવાની માહિતી એસઓજીને મળી હતી. ત્યારબાદ એસઓજી અને બિ ડિવિઝન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગોધરા ટ્રેન હત્યાકાંડમાં આરોપી 51 વર્ષીય રફીક હુસેન ભટુક પાસેથી મોબાઇલ ફોન અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું હતું. (file photo)