હવામાં વિન્ડશીલ્ડ તૂટવાની ઘટના બનતા ગો ફર્સ્ટની દિલ્હી થી ગુહાવટી જતી ફ્લાઈટ જયપુર ડાયવર્ટ કરાઈ
- ગો ફર્સ્ટ ફ્લાઈટમાં હવામાં વિન્ડશીલ્ડ તૂટવાની ઘટના
- દિલ્હી થી ગુહાવટી જતી ફ્લાઈટ જયપુર ડાયવર્ટ કરાઈ
દિલ્હીઃ-તાજેતરમાં ભારતની ઘણી ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી છે, જેમાં સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની ફરીયાદ વધુ હતી ત્યારે હવે આજરોજ ગો ફર્સ્ટ ેરની વિન્ડોશીલ્ડ હવામાં તૂટવાની ઘટના પણ સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગો ફર્સ્ટની દિલ્હી-ગુવાહાટી ફ્લાઈટના વિન્ડશિલ્ડમાં મિડ-વે ક્રેકના કારણે પ્લેનને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ડીજીસીએ અધિકારીઓએ જણાવ્યું કે A320 Neo એરક્રાફ્ટની વિન્ડશિલ્ડ હવામાં જ તૂટી ગઈ હતી. છેલ્લા બે દિવસમાં ગો ફર્સ્ટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાવાની આ ત્રીજી ઘટના છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ એરલાઈનની શ્રીનગર-દિલ્હી અને મુંબઈ-લેહ ફ્લાઈટ દરમિયાન એન્જિનમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ બંને વિમાનોએ પરત ફરવું પડ્યું હતું.મીડિયા રિપોર્ટ પ્રમાણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે દિલ્હી-ગુવાહાટી ગો ફર્સ્ટ એરક્રાફ્ટની વિન્ડશિલ્ડ હવામાં તૂટી ગઈ અને એરક્રાફ્ટને જયપુર તરફ વાળવાની ફરજ પડી હતી. જેથી દૂર્ઘટના ટળી છે.
એરલાઇનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. તાજેતરમાં, આ જ એરલાઇનના મુંબઈ-લેહ પ્લેનમાં ટેક-ઓફ પછી એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના પછી પ્લેનને દિલ્હી તરફ વાળવું પડ્યું હતું. અન્ય એક ઘટનામાં, ગો ફર્સ્ટની શ્રીનગર-દિલ્હી ફ્લાઈટને પણ એન્જિનમાં ખામી સર્જાતા શ્રીનગર પરત ફરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને છેલ્લા ત્રણ દિવસમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરક્ષિત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવાના મુદ્દે એરલાઈન્સ, તેમના મંત્રાલયના અધિકારીઓ અને DGCA અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે.અને આ મામલે કડક આદેશ પણ આપ્યા છે .