આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા
નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્વેલર્સની આવકમાં વધારો થવાનું કારણ મોટા પ્રમાણમાં સોનાનું વેચાણ છે, કારણ કે આયાત ડ્યૂટીમાં ઘટાડા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાના ભાવમાં અચાનક થયેલા ઘટાડાથી ઈન્વેન્ટરીમાં નુકસાન થયું છે, પરંતુ તેની અસર ઓછી રહેશે કારણ કે માંગમાં સુધારો થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેટિંગ પ્રોફિટ 40 થી 60 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 7.1 ટકાથી 7.2 ટકા થઈ શકે છે. ક્રિસિલ રેટિંગ્સ ડિરેક્ટર હિમાંક શર્માએ જણાવ્યું હતું કે આયાત ડ્યૂટીમાં ઘટાડો એ ગોલ્ડ જ્વેલર્સ માટે તહેવારોની સિઝન અને આગામી લગ્નની સિઝન માટે સોનાનો સ્ટોક જમા કરવાની તક છે.
ઘટેલી આયાત ડ્યૂટીની અસર નફા પર દેખાશે, પરંતુ વધુ આવકને કારણે રિટેલર્સનો રોકડ પ્રવાહ સુધરશે. આ કારણે મજબૂત વિસ્તરણ જોવા મળી શકે છે. ક્રિસિલ રેટિંગ્સના એસોસિયેટ ડિરેક્ટર ગૌરવ અરોરાએ જણાવ્યું હતું કે જ્વેલર્સ આ નાણાકીય વર્ષમાં આરામદાયક નાણાકીય માપદંડ જાળવી રાખશે. તેમણે વધુમાં કહ્યું કે આ અમારી અગાઉની અપેક્ષાઓ કરતાં વધુ સારી હશે, જે ક્રેડિટ પ્રોફાઇલને સ્થિર રાખશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સામાન્ય બજેટ 2024માં સોના પરની આયાત જકાત ઘટાડીને 6 ટકા કરવામાં આવી હતી. અગાઉ તે 15 ટકા હતો. જેના કારણે બજેટના દિવસે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.