પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના કાલગૂર્લી સ્થિત સોનાની ખાણમાંથી એક વ્યક્તિએ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને જમીનમાંથી સોનાનો 1.5 કિલોગ્રામના વજનનો ટુકડો બહાર કાઢ્યો. તેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ટુકડો જમીનની સપાટીથી 45 સેમી (લગભગ અડધો મીટર) અંદર મળ્યો.
સોનાનો ટુકડો જેને મળ્યો તે વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેને પહેલીવારમાં એવો ખ્યાલ ન આવ્યો કે આ સોનુ હશે. પરંતુ, પીળું અને ચમકદાર હોવાને કારણે તે ટુકડાને દુકાનદાર મેટ કુક પાસે લઇ ગયો. કુકનું કહેવું છે- આ ટુકડો જોઇને મારો ચહેરો ખીલી ઉઠ્યો. ત્યારબાદ મેં તેનો ફોટો ઓનલાઇન કરી દીધો.
કુક સોનાની ખાણમાં કામ કરતા લોકોને રોજબરોજની જરૂરિયાતોનો સામાન ઉપલબ્ધ કરાવે છે. તેમનું કહેવું છે કે સોનાનો ટુકડો ઝાડીઓની પાસે સ્થિત જમીનની નીચેથી મળ્યો હતો. તેને શોધનારો વ્યક્તિ મસ્તમૌલા છે અને શોખ ખાતર તે જમીનની અંદર શોધખોળ કરતો રહેતો હતો. ઓસ્ટ્રેલિયાની પોણા ભાગની સોનાની ખાણ કલગૂર્લી વિસ્તારમાં છે. જાણકારોનું કહેવું છે કે સોનાની ખાણોમાં કામ કરતા લોકોને આવી ચીજો વર્ષમાં ક્યારેક જ હાથમાં આવે છે.