Site icon Revoi.in

લગ્નસરાની સીઝન ટાણે સોનાનો ભાવ રૂપિયા 69000ને વટાવી ગયો, ચાંદીના ભાવમાં પણ વધારો

Social Share

અમદાવાદઃ વૈશ્વિકસ્તરે સોનાના ભાવમાં  કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગજરાતમાં સોનાના ભાવ રૂપિયા 69 હજારને વટાવી ગયો છે.  લગ્નસરાની સીઝનમાં સોનાના ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘડામણના ભાવ પણ આપવા પડતા હોવાથી ઘરેણા ખરીદવા સામાન્ય લોકો માટે મુશ્કેલ બની રહ્યા છે. જવેર્લર્સના શો રૂમ પર ગ્રાહકો જોવા મળતો નથી. કેટલાક જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષવા માટે ઘડામણમાં આકર્ષક ઓફર આપી રહ્યા છે.

રાજકોટમાં  સોનાનો ભાવ 69 હજારને 380 રૂપિયા નોંધાયો છે. બુધવારે સોનાના ભાવમાં સીધો જ 390 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં 630 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેથી ચાંદીનો ભાવ 78 હજાર 190 રૂપિયા નોંધાયો છે.  અમદાવાદમાં પણ સોનાનો ભાવ 69 હજાર 110 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 79 હજાર રૂપિયા નોંધાયો હતો. રાજકોટ અને અમદાવાદ વચ્ચે 200થી 300 રૂપિયા સુધીનો ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે.

સોનાના ભાવ કેરેટ પ્રમાણે અલગ હોય છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે  23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે. જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે. સોનાની શુદ્ધતા ચકાસવા સરકારે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.