Site icon Revoi.in

સોના-ચાંદીના ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા, જ્વેલર્સમાં નિરાશા

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં પુષ્યનક્ષત્રમાં સોના-ચાંદીના દાગીનાની સૌથી વધુ ખરીદી થતી હોય છે. ત્યારે રોજબરોજ વધતા જતા સોના-ચાંદીના ભાવને લીધે સોના-ચાંદીના ઘરેણાની ખરીદીમાં ઓટ આવી છે. હાલ સ્થિતિ એવી છે. કે, ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. તહેવાર ટાણે લોકોએ આ સ્થિતિને કારણે ખરીદી પણ ઓછી કરી દીધી છે. ગત વર્ષની સરખામણીમાં 50% જેટલો ઘટાડો ખરીદીમાં જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના શો-રૂમમાં ગ્રાહકો દેખાતા નથી. રાજકોટ બાદ અમદાવાદમાં 24 કેરેટના પ્રતિ 10 ગ્રામ 81,080.00 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ  પ્રતિકિલોના 1,04,000 રૂપિયા નોંધાયો છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

સોના-ચાંદીના ભાવ અત્યારે તહેવાર ટાણે જ આસમાને પહોંચ્યા છે, આગામી દિવસોમાં હિન્દુ કેલેન્ડર અનુસાર નવું વર્ષ તથા તે પૂર્વે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે. જે દરમિયાન લોકો સોના-ચાંદીના ઘરેણા અથવા લગડી ખરીદતા હોય છે. દિવાળી પૂર્ણ થતાંની સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થશે. જેમાં ઘરેણાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. તે પહેલા જ સોનુ અને ચાંદી અત્યાર સુધીના સૌથી વધુ ભાવ પર રહ્યું છે. એટલે કે સોના-ચાંદીની ચળકટ ભાવને કારણે ઝાંખી પડી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

અમદાવાદમાં જવેલર્સના કહેવા મુજબ દિવાળીના તહેવારના સમયગાળા દરમિયાન સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીનું ચલણ વર્ષોથી જોવા મળી રહ્યુ છે અને આ વખતે ઓલ ટાઈમ હાઈરેટ છે. એટલે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં સૌથી વધુ સોના-ચાંદીની ખરીદી થતી હોય છે તથા ત્યારબાદ લગ્નસરામાં પણ સોના-ચાંદીના ઘરેણાની ખરીદી ગ્રાહકો દ્વારા વધુ થાય છે. જોકે, સતત ભાવ વધી રહ્યા છે, તેથી સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.

અમદાવાદના અન્ય જ્વેલર્સના કહેવા મુજબ  હાલમાં અત્યાર સુધીના સોના-ચાંદીના સૌથી વધુ ભાવ ચાલી રહ્યા છે, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 81,080.00 ચાલી રહ્યો છે આ ઉપરાંત જીએસટી અલગ તેમજ  ચાંદીનો ભાવ જીએસટી સાથે ₹1,04,000 ચાલી રહ્યો છે. એમાં પણ જીએસટી અલગ, સોના-ચાંદીના આ ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. એટલે મધ્યમ વર્ગના લોકોની ખરીદીમાં ઘટાડો થશે.