અમદાવાદ એરપોર્ટ નજીક હોટલ પાસેથી સોનાની દાણચોરી કરતી ગેન્ગ પકડાઈ, 8 કરોડનું સોનું જપ્ત
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની જેમ સોનાની દાણચોરી માટે પણ હબ બનતું જાય છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ દ્વારા એરપોર્ટથી લઈને સાગરકાંઠા પર નજર રખાતી હોય છે. દરમિયાન બાતમીને આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલ પાસેથી પાડીને સોનાની દાણચોરી કરતા શખસોને ઝડપી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈએ 24 કેરેટ શુદ્ધતાનું કુલ 10.32 કિલો રૂ.7.75 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું હતું.
ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈ, અબુધાબી સહિત અખાતી દેશોમાંથી સોનાનો જથ્થો લાવીને ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાને લીધે ડીઆરઆઈના અધિકારીઓ દાણચોરી કરતી ગેન્ગને પકડવા માટે વોચમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, અમદાવાદના એરપોર્ટ નજીક એક હોટલમાં સોનાના જથ્થા સાથે કેટલાક શખસો ઉતરવાના છે. આથી ડીઆરઆઈના અધિકારીઓએ અબુધાબીથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા બે પેસેન્જરને રિસીવ કરવા આવેલી બે વ્યક્તિને એરપોર્ટ પાસેની એક હોટેલ નજીક અટકાવી હતી. પેસેન્જરની તપાસ કરતાં તેમના આંતરવસ્ત્રોમાં છુપાવેલી 3596.36 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. અધિકારીઓએ હોટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને સિન્ડિકેટના અન્ય સભ્યોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સિન્ડિકેટના અન્ય સભ્ય દ્વારા દાણચોરીથી સોનાની પેસ્ટ લઇને એક વ્યક્તિ પહેલેથી જ અમદાવાદ છોડી ગયો હતો. જે વહેલી સવારની ફ્લાઈટ દ્વારા આવ્યો હતો અને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા રવાના થયો હતો. ડીઆરઆઈના અધિકારીઓએ બોરીવલી સ્ટેશન પર આ વ્યક્તિને અટકાવી સોનું જપ્ત કર્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચેન્નઈની ગેંગ અમદાવાદ એરપોર્ટથી સોનાની દાણચોરી કરતી હતી. સિન્ડિકેટના સભ્યોએ કેરિયર તરીકે કામ કરતા તમિલનાડુના વિવિધ વ્યક્તિઓ દ્વારા સોનાની પેસ્ટની દાણચોરી કરાવી હતી. એરપોર્ટ નજીકની હોટેલમાં હેન્ડલર દાણચોરીનો માલ મેળવીને તરત જ અન્ય વ્યક્તિને મુંબઈ, ચેન્નાઈ અને અન્ય સ્ટેશને મોકલાતો હતો.