Site icon Revoi.in

તેલંગાણામાંથી રૂ. 5.73 કરોડનું સોનું ઝડપાયું, લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી

Social Share

બેંગ્લોરઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. દરમિયાન તેલંગાણાની નલગોંડા પોલીસે લગભગ રૂ. 5.73 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.  એક વાહનમાં સોનુ મિર્યાલગુડાથી ખમ્મમ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધું હતું.

ઉચ્ચ પોલીસ અધિકારી ચંદાના દિપ્તીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. મતદારોને લોભામણી લાલચોથી બચાવવા અને ગેરકાયદે નાણાની હેરાફેરી અટકાવવા માટે કામગીરી શરુ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન પોલીસની ટીમે કોડાદ તરફ આવતા એક વાહનને અટકાવ્યું હતું. તેમજ તપાસ કરતા અંદરથી રૂ. 5.73 કરોડનું સોનુ મળી આવ્યું હતું. વાહન ચાલક સોના અંગે કોઈ ચોક્કસ ખુલાસો કરી શક્યો ન હતો.

ફ્લાઈંગ સ્કવોડે આ અંગે તપાસ આરંભી છે. તેમજ વાહન ચાલકની અટકાયત કરીને સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સોના અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં નાણા અને મસલ પાવરના દુરઉપયોગને અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.