નવી દિલ્હીઃ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની હત્યા થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેની અમેરિકામાં ગોળીમારીને હત્યા કરી હતી. ગોલ્ડીની હત્યાની જવાબદારી ડલ્લા-લખબીર ગેંગે લીધી હતી. ગોલ્ડી બરાડનું અસલી નામ સતિંદરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં થયો હતો. ગોલ્ડીના પિતા પંજાબ પોલીસમાં ઉચ્ચ અધિકારી હતા.
પંજાબી ગાયક મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડીનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ પહેલા પણ તે અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો હતો. ચંદીગઢમાં પિતરાઈ ભાઈ ગુરલા બરાડની હત્યા બાદ ગોલ્ડીએ ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. ચંદીગઢ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-1 સ્થિત એક કલબની બહાર 11મી ઓક્ટોબર 2020ની રાતે પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી ગુરલાલ બરાડની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. ગુરલાલ બરાડ લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ હતો. ગુરલાલની હત્યા બાદ લોરેન્સ ગેંગએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, હવે નવી જંગ શરૂ થઈ છે અને અનેક માર્ગો ઉપર હવે લોહી નહીં સુકાય.
દરમિયાન ગોલ્ડી બરાડ સ્ટડી વિઝા પર કેનેડા અભ્યાસ ગયો હતો. જો કે, ગુરલાલની હત્યા બાદ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો. કેનેડાથી જ ગોલ્ડી હત્યાના કાવતરા ઘડતો હતો. તેમજ પોતાના સાગરિતો મારફતે અનેક ગુનાને અંજામ અપાયો હતો. 18મી ફેબ્રુઆરી 2021માં પંજાબના ફરીદકોટ જિલ્લામાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુરલાલ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી. ગોલ્ડીએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે જ આ હત્યા કરાવી હતી. 19મી મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડીએ સ્વિકારી હતી.