Site icon Revoi.in

GST દરોને તર્કસંગત બનાવવા GOMની બેઠકમાં વીમા પ્રીમિયમ પરના દર ઘટાડવા પર ચર્ચા

Social Share

નવી દિલ્હીઃ GST દરોને તર્કસંગત બનાવવા અને સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના હાલના દર ઘટાડવા અંગે સૂચનો આપવા માટે રચાયેલા મંત્રીઓના બે જૂથો (GoMs) વચ્ચે બેઠક યાજાશે. વીમા પ્રીમિયમ દર ઘટાડવા માટે રચાયેલ GOMની આ પ્રથમ બેઠક હશે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના પ્રધાનોનું જૂથ વીમા પ્રીમિયમ પરના કર દરને 18 ટકાથી ઘટાડવાનું સૂચન કરશે. સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં 13 સભ્યોના જીઓએમની આ પ્રથમ બેઠક હશે, જે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર ટેક્સ લાદવાનું સૂચન કરવા માટે રચવામાં આવી હતી.

સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના 13 સભ્યોના જીઓએમમાં ​​ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મેઘાલય, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણાના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓની બનેલી આ પેનલને ઓક્ટોબરના અંત સુધીમાં GST કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં મંત્રીઓના અન્ય જૂથની બેઠક પણ થશે, જે GST દરોને તર્કસંગત બનાવવા માટે રચવામાં આવી હતી. આ બેઠકમાં 12 ટકાના સ્લેબને ઘટાડવા, વધુ વસ્તુઓને પાંચ ટકાના ટેક્સના દાયરામાં લાવવા, મેડિકલ અને દવા સંબંધિત વસ્તુઓ, સાયકલ અને બોટલ્ડ વોટર પર ટેક્સના દરને તર્કસંગત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે. આ GOM 12 અને 18 ટકાના દરને મર્જ કરવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી શકે છે.

ચૌધરીના નેતૃત્વમાં છ સભ્યોનું ગૃપ વાયુયુક્ત પાણી અને પીણાં જેવી વસ્તુઓ પરના જીએસટી દરમાં વધારો કરવા પર વિચારણા કરી રહ્યું છે જેથી સામાન્ય ઉપયોગની વસ્તુઓ પર ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે. આ જૂથને ઓક્ટોબરના અંત સુધીમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે હાલમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ 2023-24માં કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રિમીયમ પર GSTમાંથી 8,262.94 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. આ સિવાય હેલ્થ રિઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાંથી રૂ. 1,484.36 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.