ગોંડલ માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું, યાર્ડ બહાર 1500થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી
રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલ, જામનગર સહિતના માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થઇ છે. જેમાં 50 હજાર ભારી મરચાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાર્ડ બહાર મરચા ભરેલા 1500થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી છે. આ લાઈન 5 કિલોમીટર સુધી જોવા મળી રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ માર્કેટીંગ યાર્ડમાં 20 કિલો મરચાના 800 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર કોટડા સાંગાણી ગોંડલ રાજકોટ અને જામકંડોરણા તાલુકો, તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે દૂર દૂરથી મોટી સંખ્યામાં ખેડૂતો મરચા વેચવા આવતા હોવાથી માર્કેટીગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ આંધ્ર પ્રદેશ તેલંગણા સહિતના દક્ષિણા કેટલાક રાજ્યોમાં પણ હોય છે જેથી ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલમાં ખરીદવા માટે આવતા હોય છે. સ્થાનિક બજારોમાં પણ ગોંડલાના મરચાની માગ વધુ જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોમાં ખાલી પ્લોટ્સમાં મરચાની ખળીઓ લાગી ગઈ છે, ખળીઓમાં મરચા દળવાની ઘંટીઓ પર લગાવવામાં આવી છે. ગૃહિણીઓ મરચા દળાવીને બારેમાસ માટે મસાલો તૈયાર કરાવતી હોય છે.