Site icon Revoi.in

ગોંડલ યાર્ડ બન્યુ ડિજિટલ, ખેડુતોને ઘેરબેઠા માલના વેચાણ અને ભાવ સહિતની વિગતો મળશે

Social Share

રાજકોટઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટીંગ યાર્ડ બન્યું છે. હવે માર્કેટીંગ યાર્ડનો સંપૂર્ણ વહીવટ ડિજિટલ સ્વરૂપમાં કરવામાં આવશે. ખેડૂતની જણસી યાર્ડમાં પ્રવેશે ત્યાંથી વેચાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે. ખેડૂતોને તેની જણસી ક્યાં ઉતરી અને કેટલામાં વેચાઇ તે અંગે મોબાઇલમાં મસેજ મોકલવામાં આવશે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ભારતનું પ્રથમ પેપરલેસ યાર્ડ બન્યું છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતની જણસીના ખરીદ-વેચાણ માટે ડિજિટલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માર્કેટયાર્ડમાં ખેડૂત પોતાનું વાહન લઇને પ્રવેશ કરે ત્યારથી જણસીના વેચાણ સુધીની તમામ વ્યવસ્થા ડિજિટલ કરવામાં આવી છે. જણસી ભરેલું વાહન યાર્ડમાં એન્ટ્રી થાય ત્યારે તેનો એન્ટ્રી પાસ ડિજટલ નીકળશે. ખેડૂત યાર્ડમાં જ્યાં પોતાની જણસી ઉતારે તેનો ગેટ પાસ પણ ડિજિટલ કાઢવામાં આવશે. જણસી યાર્ડમાં કઇ જગ્યાએ ઉતારી તેનું લોકેશન પણ મોકલવામાં આવશે. ખેડૂતને ટેક્સ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે કે તેમનો માલ કેટલા નંબરના પીલર પર ઉતર્યો છે. માલની હરાજી થાય ત્યારે ખેડૂતોને ભાવની મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. માર્કેટીંગ યાર્ડનો તમામ વહિવટ ડિજિટલ કરવામાં આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે થતો તમામ વહેવાર ડીજીટલ સ્વરૂપે કરવામાં આવશે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ પણ પોતાની આધુનિક ટેક્નોલોજી સાથે ડિજિટલ બનવા પામ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ વેચાણ અર્થે આવતા હોય છે. ખેડૂતોની જણસીઓના વેચાણ માટે ડિજિટલ વ્યવસ્થા સાથે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલ ભરેલા વાહનનો પ્રવેશ ગેટ પાસ, ક્યા છાપરામાં કઈ જગ્યાએ ખેડૂતનો માલ ઉતર્યો અને હરાજીમાં પોતાની જણસી કેટલી કિંમતમાં વેચાઈ? સહિત તમામ વ્યવસ્થાને કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવી છે.

ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ પ્રવેશ સાથે હરાજીમાં વેચાણ સુધીની આ તમામ વસ્તુઓને માર્કેટ યાર્ડ સતાધીશો ડિજિટલ કરી છે. જેમની તમામ જાણકારી ખેડૂતોને પોતાના ખેતરમાં બેઠા-બેઠા મોબાઈલમાં મળી જાય તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતભરમાં ગુજરાતનું મોખરાનું સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ દેશભરમાં પ્રથમ પેપરલેસ ડિજિટલ માર્કેટ યાર્ડ બનવા પામ્યું છે.