દિલ્હી : અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રીઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત શેષનાગથી પંજતરણી સુધી 10.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ સાથે બાબા અમરનાથની યાત્રાનો સમયગાળો ત્રણ દિવસથી ઘટીને માત્ર નવ કલાક થઈ જશે. ગડકરીએ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે અનંતનાગમાં ખાનાબલથી પંજતરણી સુધી 110 કિલોમીટરનો રોડ બનાવવાની પણ વાત કરી હતી.
આ ઉપરાંત તેમણે પુંછને શોપિયાં સાથે જોડવા માટે પીર કી ગલી પર 5000 કરોડ રૂપિયાના ખર્ચે ટનલ બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ખન્નાબલથી ચંદનબારી વચ્ચે 73 કિલોમીટરના રસ્તાના નિર્માણ માટેનો ડીપીઆર જુલાઈમાં તૈયાર થઈ જશે. ચંદનબારીથી બાલટાલ વાયા પંજતરની વચ્ચેના 37 કિલોમીટરના રોડ માટેનો ડીપીઆર ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. તેના પર 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ગડકરીએ જણાવ્યું હતું કે મુગલ રોડ પર પીર કી ગલી ખાતે એક ટનલ બનાવવામાં આવશે, જે જમ્મુ વિભાગના પૂંચ અને ખીણના શોપિયાં જિલ્લા વચ્ચે વર્ષભર કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ પાછળ છ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી પાંચ હજાર કરોડ રૂપિયા ટનલના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવી રહેલી ટનલથી મુસાફરીનો સમય ઘણો ઓછો થશે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક ટનલનું નિર્માણ થતાં હવે મુસાફરીમાં સાડા પાંચ કલાકનો ઘટાડો થયો છે, પરંતુ પાંચ ટનલનું બાંધકામ પૂર્ણ થતાં જ વધુ બે કલાકનો ઘટાડો થશે. શ્રીનગર રિંગરોડ પુલવામાના ગલેન્ડરથી ગંદરબલ સુધી બનાવવામાં આવી રહ્યો છે. 4660 કરોડના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટથી જામની સમસ્યાથી તો છુટકારો મળશે જ પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકો ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડ જાય છે પરંતુ આપણું પોતાનું જમ્મુ-કાશ્મીર વધુ સુંદર છે. ગડકરીએ કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાઈવે બનાવવાનું સપનું આવતા વર્ષની શરૂઆતમાં પૂરું થઈ જશે. ગડકરીએ કહ્યું, “કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો રોડ-વે હોવો એક સપનું હતું. પરંતુ રોહતાંગથી લદ્દાખના માર્ગમાં ચાર ટનલ બનાવવામાં આવશે. લેહથી અમે કારગિલ અને ઝોજિલા અને ઝેડ મોર ટનલનો ભાગ બનીશું.”
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિ સાથે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયેલા ગડકરીએ જણાવ્યું હતું કે, “નવા રસ્તાના નિર્માણ સાથે, દિલ્હી અને કન્યાકુમારી વચ્ચેનું અંતર 1,312 કિલોમીટર ઓછું થઈ જશે. આ વર્ષ 2024 ની શરૂઆત સુધીમાં સપનું પૂરું થશે.” તેમણે કહ્યું કે વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી જ જમ્મુ અને કાશ્મીરમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 1.25 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લાવવામાં આવ્યા છે. ગડકરીએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થશે.