અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીથી ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન ઉત્તરાયણ પર્વ ઉપર આ વર્ષે સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહીને પગલે પતંગ રસિયાઓને ઠમકા મારામાંથી ઓછા ગણા અંશે રાહત મળશે.
હવામાન વિભાગે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહી કરી છે. તેમજ ઠંડીમાં વધારો થવાની પણ આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિંલ ઠંડી પડી રહી છે, જો કે, દર વર્ષે ઉત્તરાયણના દિવસમાં પવન નહીં હોવાની તથા બપોરના સમયે પવન પડી જતો હોવાનું જોવા મળે છે. જેથી પતંગ પ્રેમીઓ ઠુમકા મારીને થાકી જાય છે જો કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં તેમને ઘણા અંશે રાહત મળવાની આશા છે.
રાજ્યમાં આજે પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણને પગલે તાપમાનમાં વધારો નોંધાયો છે. નલિયામાં પહેલા બે ડિગ્રી તાપમાન હતું. ત્યાં હવે નવ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. જો કે હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.