- મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય
- 11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ
- ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન નિર્ણય થયો કે 11 લાખથી વધારે રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલરી બોનસ તરીકે આપવામાં આવશે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે રેલવે કર્મચારીઓને બોનસની આ રકમ વેતનની જેમ જ આપવામાં આવશે.
રેલવે કર્મચારીઓને બોનસ માટે સરકારે કુલ 2024 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ સતત છઠ્ઠું વર્ષ છે કે જ્યારે સરકારે બોનસનું એલાન કર્યું છે. સરકારનું માનવું છે કે બોનસ આપવાથી રેલવે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે. મહત્વપૂર્ણ છે કે હાલ ભારતીય રેલવેમાં લગભગ 11.52 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ નિર્ણયનો ફાયદો તમામને મળશે.
આના સિવાય પણ કેબિનેટની બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે દેશમાં ઈ-સિગરેટનું નિર્માણ, વેચાણ, એક્પોર્ટ અને ઈમ્પોર્ટ કરવો તથા ડિસ્ટ્રિબ્યૂશન કરવાનું બંધ થઈ જશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ઈ-સિગરેટ પર પ્રતિબંધનો અર્થ તેના ઉત્પાદન, આયાત-નિકાસ, ટ્રાન્સપોર્ટ, વેચાણ, વિતરણ અને વિજ્ઞાપન પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
નવા નિયમો પ્રમાણે, જો કોઈ ઈ-સિગરેટ વેચે છે, ઈમ્પોર્ટ કે એક્સપોર્ટ કરે છે, તો પહેલીવારમાં તેને 1 વર્ષની સજા અથવા 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કોઈ બીજીવાર પણ આમ કરે છે, તો તેને ત્રણ લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની સજા થઈ શકે છે. માનવામાં આવે છે કે ઈ-સિગરેટની 400 બ્રાંડ છે. જો કે ભારતમાં ઈ-સિગરેટની કોઈ બ્રાંડ બનતી નથી. રિપોર્ટ પ્રમાણે, ઈ-સિગરેટની 150 ફ્લેવર બજારમાં મળે છે.