દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી
દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં મંગળવારે રાજદ્વારી બાબતોની સંયુક્ત સમિતિ (JCCA)ની પાંચમી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં બંને પક્ષોએ શ્રમ, વિઝા, સ્થળાંતર, નાગરિકતા અને પ્રત્યાર્પણ સહિતના મુદ્દાઓ પર સંકલન અને સહયોગને મજબૂત કરવા માટેની પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, “બંને દેશો વચ્ચેના સંબંધો રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સંરક્ષણ, સાંસ્કૃતિક, તકનીકી અને ઉર્જા સહિત પરસ્પર સહયોગના તમામ ક્ષેત્રોને આવરી લે છે, બે દેશો વચ્ચેના લોકો વચ્ચેના સંબંધો સતત ગાઢ બની રહ્યા છે.” યુએઈમાં હાલમાં 35 લાખથી વધુ ભારતીયો રહે છે. આ કરાર બાદ આ સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.