અમદાવાદઃ બોટાદ-અમદાવાદ વચ્ચે મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થઈ ગયું છે. ગેજ કન્વર્ઝનનું મોટાભાગનું કાર્ય પૂર્ણ થઇ ચૂક્યુ છે અને હાલ સિગ્નલ તથા ટ્રેકનું ચેકિંગ કાર્ય અંતિમ તબક્કામાં છે, આગામી દિવસોમાં બોટાદ-અમદાવાદ વચ્ચે માલગાડી ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે, અને માલગાડીનું પરિવહન નિયત સમય સુધી યોગ્ય જણાયા બાદ પેસેન્જર ટ્રેનને અનુમતિ આપવામાં આવશે. બોટાદ-અમદાવાદ વચ્ચે 169 કિ.મી.ની રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈન કાર્યરત થતાં ભાવનગર અમદાવાદ વચ્ચેનું રેલ અંતર પણ ઘટશે કારણ કે હાલ ભાવનગર-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોને વાયા લીંબડી, સુરેન્દ્રનગર થઈને વિરમગામથી અમદાવાદ આવવું પડે છે. બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટુંકો રૂટ્સ શરૂ થતાં પ્રવાસીઓને સમય પણ બચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદ-અમદાવાદ વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થઈ ગયું છે. ટ્રાયલ રન પણ થઈ ગયો છે. હવે ટૂંક સમયમાં આ રૂટ્સ પર ગુડ્ઝ ટ્રેનો દાડાવવામાં આવશે. અને ત્યારબાદ પેસેન્જર ટ્રેનોને દોડાવાશે. બોટાદ-અમદાવાદ વચ્ચેનો આ પ્રોજેક્ટ આમ તો ઘણા સમયથી મંદ ગતિએ ચાલી રહ્યો હતો. આ પ્રોજેક્ટ તેના નિયત સમયાવધીથી ખૂબ મોડો ચાલી રહ્યો હતો અને તેના કારણે રેલવે તંત્રને ભારે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઇન બીછાવાઇ ચૂકી છે અને હાલ તેના વિવિધ ચેકિંગ કાર્ય ગતિમાં છે. જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે દ્વારા કમિટી બનાવવામાં આવી છે, અને આ કમિટી ઇન્સપેક્શન કાર્ય હાથ ધરી અને તેનો વિસ્તૃત રીપોર્ટ આપશે. બોટાદ-અમદાવાદ વચ્ચે માલગાડી વર્ષાન્ત સુધીમાં ચલાવવાનું આયોજન છે, અને તે દિશામાં આંતરિક પત્ર વ્યવહાર બાદ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભાવનગર-અમદાવાદ વચ્ચેનું રેલ માર્ગનું અંતર ઘટી અને 4 કલાકનું થઇ જશે. અગાઉ ભાવનગર-અમદાવાદ વચ્ચે જે રીતે ઇન્ટરસિટી ટ્રેન ચલાવવામાં આવતી હતી અને મુસાફરો તરફથી તેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો, તે મુજબ જ ભાવનગર-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ ચાલુ થયેથી ઇન્ટરસિટી ટ્રેન ચલાવાશે.