Googleએ Doodle બનાવીને ભારતના પ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને યાદ કર્યા
નવી દિલ્હીઃ Googleએ શનિવારે Doodle બનાવીને ભારતના પ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને યાદ કર્યા. બાનુ, જેઓ એક અગ્રણી ભારતીય મહિલા પહેલવાન હતા, તેમણે 1940 અને 50ના દાયકામાં કુસ્તીની પુરૂષ-પ્રભુત્વવાળી દુનિયામાં પ્રવેશવા માટેના તમામ બંધનો અને અવરોધો દૂર કર્યા હતા. ભારતના પ્રથમ વ્યાવસાયિક મહિલા પહેલવાન તરીકે જાણીતા બાનુના ખ્યાતિની સફર નોંધપાત્ર હતી, જો કે તેમાં સાહસિક પડકારોનો પણ તેમણે નીડરતાપૂર્વક સામનો કર્યો હતો.
હમીદા બાનુ “અલીગઢની એમેઝોન” તરીકે ઓળખાતા
ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી હમીદા બાનુ “અલીગઢની એમેઝોન” તરીકે નામના મેળવી અને તેમણે એ લોકપ્રિયતા હાંસલ કરી જે દાયકાઓ સુધી ઘણા પુરૂષ સમકક્ષો ઈચ્છતા હતા. મુંબઈમાં 1954ના મુકાબલામાં, બાનુએ રશિયાના વેરા ચિસ્ટિલિનને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં હરાવ્યું હતું. તેમનું વજન 108 કિલોગ્રામ અને અને તેમની ઊંચાઈ 1.6 મીટર હતી. તેમણે દૂધ ખુબ ગમતું હતું અને તે રોજે આશરે 5 થી 6 લિટર દૂધ પીતા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેઓ ભોજનમાં બિરયાની, મટન, બદામ અને માખણ લેતા હતા. વિખ્યાત ભારતીય લેખર મહેશ્વર દયાલે 1987માં પ્રકાશિત એક પુસ્તકમાં હમીદા બાનુ વિશે લખ્યું હતું અને તેમણે કુસ્તીની તક્નીકો પુરુષ કુસ્તીબાજોને પણ શીખવાડી હતી.
પુરુષ રેસલર જીતવા પર લગ્નની જાહેરાત કરી હતી
એક રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 1954માં જ્યારે બાનું 30 વર્ષના હતા, ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે તેમને કોઈપણ પુરુષ રેસલિંગમાં હરાવશે તો તેઓ તેના સાથે લગ્ન કરશે. આ જાહેરાત બાદ તેમણે પટિયાલા અને કોલકાતાના બે પુરૂષ ચેમ્પિયનને કારમી હાર આપી હતી. તે જ વર્ષે, તેઓ ત્રીજી મેચ માટે વડોદરા ગઈ હતા, જ્યાં એક પુરુષ કુસ્તીબાજ મહિલાનો સામનો કરવાનો ઇનકાર કર્યા પછી, તેમણે બાબા પહેલવાન સામે લડાઈ કરી અને માત્ર 1 મિનિટ 34 સેકન્ડમાં મેચ જીતી લીધી. 1944માં, તેમણે મુંબઈમાં એક ગૂંગા પહેલવાનનો સામનો કરવા માટે 20 હજાર લોકોની ભીડ એકઠી કરી હતી, પરંતુ સ્પર્ધા રદ કરવામાં આવી હતી. બીબીસીના અહેવાલ મુજબ, તે દરમિયાન અખબારોએ તેમને અલીગઢનું એમેઝોન કહ્યા હતા.