સર્ચ એન્જિન ગૂગલે આજે ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.1924 માં, આજ દિવસે તેમણે અલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ ફોર્મ્યુલેશન્સ મોકલ્યા, જે ક્વોન્ટમ મિકેનિક્સમાં મહત્વપૂર્ણ શોધ તરીકે ઓળખાય છે. ગૂગલે આજે સત્યેન્દ્ર નાથ બોઝ અને ‘બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટ’માં તેમના યોગદાનની ઉજવણી કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે.
મહાન ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી, 1894ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ બોઝ ઈસ્ટ ઈન્ડિયન રેલવે કંપનીના ઈજનેરી વિભાગમાં કામ કરતા હતા. સત્યેન્દ્ર નાથ તેમના 7 બાળકોમાં સૌથી મોટા હતા. પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતામાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને કોલકાતા યુનિવર્સિટીમાં એપ્લાઇડ મેથેમેટિક્સમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તે બંને ડિગ્રીમાં તેના વર્ગમાં ટોપર હતા.બોઝ 1916માં ‘કોલકાતા યુનિવર્સિટી’ની ‘સાયન્સ કૉલેજ’માં રિસર્ચ સ્કોલર તરીકે જોડાયા અને થિયરી ઑફ રિલેટિવિટીનો અભ્યાસ કર્યો.તેમણે શિક્ષણ જગતમાં પોતાનું પ્રતિષ્ઠિત સ્થાન મજબૂત કર્યું.
ભારત સરકારે બોઝને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણ એનાયત કરીને ભૌતિકશાસ્ત્રમાં તેમના જબરદસ્ત યોગદાન માટે માન્યતા આપી હતી. તેમને રાષ્ટ્રીય અધ્યાપક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે વિદ્વાનો માટે ભારતમાં સર્વોચ્ચ સન્માન છે. બોઝે ઇન્ડિયન ફિઝિકલ સોસાયટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ સહિત અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના સલાહકાર પણ હતા અને બાદમાં રોયલ સોસાયટીના ફેલો બન્યા હતા.