નવી દિલ્હીઃ ગૂગલે એક વર્ષમાં તેના પ્લે-સ્ટોર પરથી લગભગ 2,200 બોગસ લોન એપ હટાવી દીધી છે. આની જાણકારી સરકારે સંસદમાં આપી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ગૂગલે તેના પ્લે-સ્ટોર પરથી 2,200થી વધારે લોન એપ હટાવી દીધી છે. અને બ્લોક કરી દીધી છે જે છેતરપીંડી કરનારી હતી.
નાણા રાજ્ય મંત્રી ભગવત કે કરાડ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, સરકાર છેતરપીંડી કરતી લોન એપ્સને કંટ્રોલ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને અન્ય નિયમનકારો સાથે સતત કામ કરી રહી છે.
મંત્રીએ કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY)થી મળેલી માહિતી મુજબ, ગૂગલે લગભગ 3,500 થી 4,000 લોન એપ્લિકેશન્સની સમીક્ષા કરી હતી અને તેના પ્લે સ્ટોરમાંથી 2,500 થી વધુ લોન એપ્લિકેશન્સને હટાવી હતી.
ગૂગલએ લોન એપથી થતા ફ્રોડને લઈને તેની પોલિસીમાં પણ બદલાવ કર્યા છે. નવી પોલિસી મુજબ, હવે Google Play Store ખાલી તે જ લોન એપ્લિકેશન્સ પબ્લિશ કરશે જેને રેગ્યુલેટેડ ઇન્સ્ટિટ્યુશન્સ (RE) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
રિઝર્વ બેંકએ ડિજિટલ પ્લેટફોર્મ સાથે લોન સેવાઓ પૂરી પાડતા પ્લેટફોર્મ્સ માટે દિશાનિર્દેશ જારી કરી છે, તેનો ઉદ્દેશ્ય ડિજિટલ લોન આપવા તેમજ ગ્રાહક સુરક્ષા વધારવા માટેના નિયામક ઢાંચાને મજબૂત બનાવવાના છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને ગૃહ મંત્રાલય (MHA) પણ દેશમાં ઓનલાઈન લોન આપતી એપ પર નજર રાખી રહ્યા છે.