ગાંધીનગરઃ ગુજરાતમાં પૂર્વ સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે પૂર્વ સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું હતું. પરંતુ રાજ્ય સરકારે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 14 પૈકીની ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ભારતીય સેનામાંથી નિવૃત થયેલા હજારો પૂર્વ સૈનિકો વસવાટ કરી રહ્યા છે. વધતી જતી મોંઘવારીને લીધે પૂર્વ સૈનિકોને તેમના પરિવારના જીવન નિર્વાહ માટે મુશ્કેલી પડી રહી છે. જ્યારે શહિદ થયેલા સૈનિકોને અન્ય રાજ્યમાં જેટલી સહાય અપાય છે, તેટલી સહાય ગુજરાતમાં અપાતી નથી. આમ વિવિધ માગણી અંગે સરકારમાં વખતોવખત રજુઆતો કરી હતી, છતાં પ્રશ્ન ન ઉકેલાતા પૂર્વ સેનિકોએ ગાંધીનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન સરકારે પૂર્વ સૈનિકોની ત્રણ માગણીનો સ્વીકાર કરી લીધો છે.જેમાં શહીદ જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાથી લઈ, બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવાની માગણી સ્વીકારવામાં આવી છે. આની સાથે શહીદ જવાનના માતા-પિતાને દર મહિને 5 હજાર રૂપિયા આપવાની સ્વીકૃતી થઈ શકે છે. આની સાથે જ દિવ્યાંગ જવાનને 2.5 લાખ અથવા દર મહિને 5 હજાર રૂપિયાની રાહત આપવા સ્વીકૃત કરાઈ હતી. વળી જો જવાન અપરિણીત હશે તો એના માતા-પિતાને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે. હાલ પૂર્વ સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી પૂર્વ સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ. રાજ્ય સરકારે ત્રણ માંગણીઓ સ્વીકારી તે અગાઉ પૂર્વ સૈનિકોને સેનામાંથી નિવૃતિ બાદ રાજ્ય સરકાર દ્વારા શહીદ પરિવારને કરોડની સહાય, નોકરીમાં 10 ટકા અનામત, જમીન, મેડીકલ, જેવી 14 જેટલા લાભ આપવાના હોય છે. પરંતુ, ગુજરાત સરકાર દ્વારા આ માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવતા માજી સૈનિકોએ થોડા મહિના પહેલા આંદોલન કર્યું હતું. જેમાં સરકારે સૈનિકોના સંગઠન સાથે મીટીંગ કરીને માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જો કે ત્રણ મહિના બાદ પણ માંગણી પૂર્ણ કરવામાં આવી નહોતી. (file photo)