ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ખેડુતોએ ખરીફ પાકના વાવણા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગના ખેડુતો વાવણીના પખવાડિયા પહેલા જ બિયારણની ખરીદી કરી લેતા હોય છે. કૃષિ પાક માટે કેવું બિયારણ છે. તે મહત્વનું હોય છે. ઘણા ખેડુતોને કેટલાક વેપારીઓ દ્વારા હલકી કક્ષાનું બિયારણ પધરાવી દેવામાં આવતું હોય છે.અને પાછલથી ખેડુતો પસ્તાતા હોય છે. આથી કૃષિ વિભાગે તમામ ખેડુતોને અપીલ કરી છે. કે, ખરીફ પાકની વાવેતર સીઝનમાં બિયારણની ખરીદી કરતી વખતે વેપારીનું લાયન્સ નંબર, નામ અને સરનામું સહિતની વિગતો દર્શાવતું બીલ અવશ્ય લેવાનો આગ્રહ રાખવો, તેમજ બિયારણની મુદત પૂર્ણ થતી સહિતની વિગતો બિયારણના પેકિંગ ઉપર દર્શાવેલી છે કે નહી, તેની પણ ચકાસણી કરવી જોઈએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં ખેડુતો ખરીફ પાકનું વાવેતર કરતા હોય છે. ત્યારે લેભાગુ નકલી બિયારણની કંપનીઓ પણ મેદાનમાં ઉતરતી હોય છે. આવી કંપનીઓ ખેડુતોને નકલી બિયારણ પધરાવીને રૂપિયા લઇ લેતી હોય છે. આથી નકલી બિયારણની વાવણી કરવાથી ખેડુતોના નાણાં તેમજ મહેનત કરવા છતાં કંઇ ઉપજ મળતી નહી હોવાથી ખેડુતોને આર્થિક માર સહન કરવો પડે છે.ત્યારે ખેડુતો નકલી બિયારણનો ભોગ બને નહી તે માટે બિયારણની ખરીદી કરતી વખતે વેપારીઓનું લાયસન્સ નંબર, પુરૂ નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્ત પૂરી થવાની વિગતો દર્શાવતું બીલ સહી સાથે ખેડુતોએ અવશ્ય લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
કૃષિ વિભાગના અધિકારીએ ખેડુતોને બિયારણ ખરીદીમાં તકેદારી રાખવાની સુચના આપતા જણાવ્યું હતું કે, બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂર્ણ થઇ ગઇ નથી. તેની પણ ચકાસણી કરવી જોઈએ. જો મુદત પૂરી થઇ ગઇ હોય તેવા બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં, બિયારણની થેલીના પેકેટ ઉપર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલું નહી હોય તેવા 4-જી અને 5-જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહી. ઉપરાંત જો આવા પ્રકારના બિયારણનું વેચાણ થતું હોય તો તાત્કાલિક તાલુકા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.