Site icon Revoi.in

પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડના ભંડોળને સરકારની મંજુરી, ગ્રેડ પે નહીં, ઈન્ટરિમ પેકેજ અપાયું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગના કર્મચારીઓ ઘણા વખતથી ગ્રેડ-પેની માગણી કરી રહ્યા હતા. પોલીસ પરિવારોએ આ મુદ્દે લડત પણ ચલાવી હતી. પણ સરકારે તે સમયે કોઈ જાહેરાત કરી નહતી. પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી સરકારે પોલીસ કર્મચારીઓના લાગણી અને માગણી સમજીને પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડનું ભંડાળને મંજુરી આપી છે. એટલે હાલ ગ્રેડ-પે નહીં પણ પોલીસ કર્મચારીઓને ઈન્ટરિમ રિલીફ આપવામાં આવશે. તેથી પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ સૌથી વધુ પોલીસ વિભાગમાં ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેને લઈને માગણીઓ પણ કરવામાં આવી રહી છે. પરંતુ તેને પૂર્ણ કરવામાં આવી નથી. પરંતુ હવે આ મુદ્દો પોલીસ વિભાગ પૂરતો સિમિત ન રહેતા રાજકીય પણ થઈ ગયો છે. તેના કારણે હવે ગ્રેડ-પેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ અનેક તર્ક થઈ રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ વિભાગ માટે 550 કરોડના ભંડોળને મંજૂરી આપી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીએ મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.  પોલીસ કર્મચારીઓના પગારમાં સારોએવો વધારો થશે.

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત પોલીસના પગાર વધારા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પ્રજા તેની સુરક્ષાની જવાબદારી જેમની ઉપર છે તે પોલીસને સરકારે લોલીપોપ આપી છે. પોલીસ કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારાની હતી. ગુજરાત કરતાં ગરીબ રાજ્યોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સૌથી વધારે છે. અન્ય રાજ્યોમાં પોલીસના ગ્રેડ પે 2800 રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં 1800 રૂપિયા છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર દ્વારા પોલીસનો ગ્રેડ પે 4600 કરવામાં આવ્યો હતો. વર્તમાન ભાજપ સરકાર દ્વારા આ ગ્રેડ પેમાં વધારો નહીં કરવામાં આવે, તો કોંગ્રેસની સરકાર ખાતરી આપે છે કે અમે ગુજરાત પોલીસના ગ્રેડ પેમાં વધારો કરીશું. 4200 ગ્રેડ પે જે આપવાનો છે તે છે તેના કરતાં પણ વધારે પંજાબમાં કોંગ્રેસ સરકારે દેશમાં સૌથી વધુ 4600 જેટલો ગ્રેડ પે આપ્યો હતો, તેટલો આપીશું.

મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ માટે કરેલી જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, સરકારે કોથળામાંથી બિલાડું કાઢ્યું છે. અરવિંદ કેજરીવાલ ગ્રેડ પે આપીને રહેશે. સરકારે માત્ર પડીકું આપ્યું છે. 75માં અમૃત મહોત્સવમાં નેતાઓએ અમૃત કીધું છે . સરકારે પોતે સ્વીકાર્યું છે કે, પોલીસ કર્મચારીઓની જે માંગણી છે, તે યોગ્ય છે. આતો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત થઈ હોય તેવું જણાય છે. પોલીસે પોતાના ગ્રેડ પેની માંગણી કરી હતી. રજા પગારની માંગણી કરી હતી. આતો માત્ર 550 કરોડની આંકડાની જાહેરાત કરવામાં આવી છે. આખા વર્ષનો પગારની વાત કરીને એક બ્રહ્મજાળ ઉભી કરવામાં આવી છે