ગાંધીનગરઃ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. તેમ રાજ્યના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, , મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલા ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલા ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.
ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા 16 ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂ. 1 કરોડ 69 લાખની સહાય ચૂકવી છે.