Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

Social Share

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર 29 ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સત્ર હાલમાં તો સંસદની જૂની ઇમારતમાં જ યોજાય તેવી શક્યતા છે કારણ કે, નવી ઇમારતનું બાંધકામ હજી આ વર્ષના અંત સુધી પૂર્ણ  થવાની સંભાવના છે.

સત્રની શરૂઆત પહેલાં, લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ દ્વારા બંને ગૃહોના સુચારૂ કામકાજ અંગે સર્વસંમતિ સાધવા માટે  સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, “6 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે,  “આ બેઠકમાં (સરકાર દ્વારા બોલાવવામાં આવેલ) સંસદના સત્ર દરમિયાન સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે આ માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગવામાં આવશે.”

શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે અને સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થાય છે, પરંતુ એવા કિસ્સાઓ છે કે જ્યારે સત્ર 2017 અને 2018માં શિયાળુ સત્ર છેક ડિસેમ્બરમાં યોજાયું હોય. થોડા દિવસો પહેલા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું હતું કે, “સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. 23 દિવસના આ સત્રમાં 17 બેઠકો થશે. જોશીએ કહ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં સત્ર દરમિયાન હું ધારાકીય કામકાજ સહિત અન્ય વિષયો પર ચર્ચા થવાની આશા રાખું છું. આમ આ સત્રમાં અનેક મહત્વના વિષયો પર ચર્ચા થશે

(ફોટો: ફાઈલ)