Site icon Revoi.in

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો

Social Share

અમદાવાદઃ રાજયના ખેતી નિયામકએ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજી પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.5 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે. રવી ઋતુમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની 7.5 લાખ મે.ટન જરૂરિયાત સામે 8.71 લાખ મે.ટન, ડી.એ.પી. 1.80 લાખ મે.ટન સામે 2.5 લાખ મે.ટન, એન.પી.કે. 1.9 લાખ મે.ટન સામે 2.7 લાખ મે.ટન તથા એમ. ઓ.પી. 46 હજાર મે. ટન સામે 50 હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં કેટલાક પ્રચાર માધ્યમમાં રાસાયણિક ખાતરની અછત અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે, તે અન્વયે જણાવવાનું કે રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છે. રાજ્યમાં હાલમાં 1.98 લાખ મે.ટન યુરિયા, 43 હજાર મે.ટન ડી.એ.પી., 97 હજાર મે.ટન એન.પી.કે. તથા 25 હજાર મે.ટન એમ.ઓ.પી.નો જથ્થો ઉપલ્બ્ધ છે, તેમજ ખાતર કંપનીઓ દ્વારા નિયમિત ધોરણે રેલવે તથા રોડ મારફતે ખાતર સપ્લાય ચાલુ છે.

ખેડૂતોને રાજ્યમાં સમયાંતરે જરૂર મુજબ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું ચોક્કસ આયોજન કર્યું છે, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને પૂરતું ખાતર મળી રહે તે માટે નિયમિત રીતે રાજ્ય સાથે સંકલન કરીને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આમ, રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ છે તેમજ ખાતરની અછત અંગેની ચિંતા કરવાની જરૂર નથી.