Site icon Revoi.in

સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકારના પ્રતિબદ્ધ : ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબો અને વંચિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓમાં લાભો અને સહાયની સંખ્યામાં વૃદ્ધિ પણ કરી છે. સરકાર સૌના સાથવારે વિકાસની તરફ આગળ વધી રહી છે. જનપ્રતિનિધિઓ પણ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિનાના સેવાકીય કાર્યો કરી જનવિશ્વાસ સંપાદિત કરી રહ્યા છે.

સાવલી ખાતે મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમાં સર્વ જ્ઞાતીય સમુહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા 751નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ સમુહલગ્ન સમારોહનું સમગ્ર આયોજન ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સમુહલગ્ન સમારોહ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરૂ પાડે છે. આ સમારોહ માં જ્ઞાતિ, જાતિના ભેદભાવ વિના નાગરિકો સહભાગી બને છે. તેમાંય ખાસ કરીને ગરીબ પરિવારની પોતાના પુત્ર કે પુત્રીના લગ્નની આર્થિક ચિંતા હળવી કરે છે. રાજ્ય સરકાર પણ આવા સમારોહને યથાયોગ્ય પ્રોત્સાહન આપી મદદ કરે છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સાત ફેરા સમુહલગ્ન, કુંવરબાઇનું મામેરૂ અને આંતરજ્ઞાતીય લગ્નની યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. જેના કારણે ગરીબ પરિવારની ચિંતા હળવી થાય છે. આંતરજ્ઞાતીય લગ્નોમાં સહાયની રકમ રૂ. એક લાખ થીવધારીને રૂ. અઢી લાખ કરવામાં આવી છે.

સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નારીશક્તિના હિતોની રક્ષા કરવામાં આવી રહી છે. દીકરી ભગવાનના આશીર્વાદ છે. દીકરી પોતાના પરિવારની નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે. દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવ મિટાવવાની શીખ આપતા  પાટીલે સામાજિક સમતુલા જાળવી રાખવા માટે દીકરીનું મહાત્મ્ય ભાવાત્મક શબ્દોમાં વર્ણવ્યું હતું અને આ સમુહ લગ્ન સમારોહમાં સહભાગી થનારા નવદંપતિઓને ગર્ભ પરિક્ષણના કરાવવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. 

સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે કહ્યું કે, મારા પિતાના જન્મ દિન નિમિત્તે મને નાગરિકોની સેવા કરવાની તક મળી છે. સાવલીના લોકોને મને ખૂબ જ સહયોગ, પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારા માટે મૂડીરૂપ છે. તેમણે આ સમુહલગ્ન પ્રસંગની ટૂંકી ભૂમિકા પણ આપી હતી.