Site icon Revoi.in

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને સામેલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.આ પહેલા દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ સિંહે એલએલબીના અભ્યાસક્રમમાં ‘મનુસ્મૃતિ’નો સમાવેશ કરવાના પ્રસ્તાવને ફગાવી દેવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે તેમણે આ અંગે દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે પૂછપરછ કરી છે અને વાત કરી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું, “વાઈસ ચાન્સેલરે મને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કાયદાના કેટલાક શિક્ષકોએ ન્યાયશાસ્ત્રના પ્રકરણમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક છે અને કાઉન્સિલની બેઠકમાં આવો કોઈ મુદ્દો વિચારણા હેઠળ નથી.” નોંધનીય છે કે એકેડેમિક કાઉન્સિલ દિલ્હી યુનિવર્સિટીની શૈક્ષણિક વિષયો પર નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા છે. ડીયુની લો ફેકલ્ટી દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે મનુસ્મૃતિના બે પ્રકરણ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. આ પ્રસ્તાવ પછી વિવાદ શરૂ થયો અને ઘણા શિક્ષકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો.

દિલ્હી યુનિવર્સિટીના ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટે પોતાનો વિરોધ નોંધાવતાં કહ્યુ કે મનુસ્મૃતિ વાંચવી એ પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલી વિરુદ્ધ હશે. જો કે આ દરમિયાન વાઈસ ચાન્સેલરે લો ફેકલ્ટીની આ દરખાસ્તને ફગાવી દીધી હતી.પ્રસ્તાવમાં સુચન કરવામાં આવ્યુ હતુ કે લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પહેલા અને છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મનુસ્મૃતિ ભણાવવામાં આવે.ન્યાયશાસ્ત્રના અભ્યાસક્રમોમાં ફેરફાર કરીને, મેધાતિથિની રાજ્ય અને કાયદાની વિભાવના માટે બે પાઠો સૂચવવામાં આવ્યા હતા. જોકે, યુનિવર્સિટીના કુલપતિ સ્પષ્ટ કહે છે કે દિલ્હી યુનિવર્સિટીમાં આવું કંઈ ભણાવવામાં આવશે નહીં. દિલ્હી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ અને તેનો અભ્યાસક્રમ પહેલા જેવો જ રહેશે.