નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા ઉપરના પ્રતિબંધને 58 વર્ષ બાદ હટાવ્યો છે. જો કે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવા મામલે દાવો કર્યો છે. મોદી સરકારના આદેશ બાદ ભારતીય રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા આ મામલે મોદી સરકારને આડેહાથ લેવાના પ્રયાસ કરાયાં હતા.
હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોની સરકારે સરકારી કર્મચારીઓના આરએસએસ સાથે જોડાવવા મામલે પ્રતિબંધ પહેલા જ હટાવી લીધો છે. 30મી નવેમ્બર 1966માં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે તત્કાલિન કોંગ્રેસ સરકારે લગાવેલા પ્રતિબંધને 9 જુલાઈના રોજ એક આદેશ અનુસાર હટાવ્યો છે.
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ એક્સ પર કાર્મિક મંત્રાલયના આદેશના સ્ક્રીનશોર્ટ પોસ્ટ કરીને કહ્યું હતું કે, 58 વર્ષ પહેલા 1966માં જાહેર ગેરબંધારણીય આદેશ, જેમાં સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ લગાવાયો હતો, જેને મોટી સરકારે પરત લઈ લીધો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પોસ્ટ કરીને કહ્યું હતું કે, સરદાર પટેલે ગાંધીજીની હત્યા બાદ 1948માં આરએસએસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ સારા આચરણના આશ્વાસનને પગલે પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે, 1966માં સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ ફમાવાયો હતો, જે યોગ્ય હતો. 9મી જુલાઈ 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, જે વાજપાયીજીના શાસનમાં પણ યથાવત રહ્યો હતો. કોંગ્રેસ નેતાએ 30મી નવેમ્બર 1966ના મૂળ આદેશનો સ્ક્રીન શોર્ટ જાહેર કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ આરએસએસ અને જમાત-એ-ઈસ્લામીના કાર્યક્રમોમાં જોડાવવા ઉપર પ્રતિબંધ લગાવાયો હતો.