Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે 19મીએ મીણબત્તી પ્રગટાવી વિરોધ કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇ અગાઉ સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓએ લડત આદરતા તત્કાલિન સમયે સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યુ હતુ, કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે બાબતના હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યા નથી. જેને લઇને સરકાર દ્વારા વિસંગતતા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે મહામંડળ દ્વારા આગામી 19મીથી સરકારને અંધકારમાંથી બહાર લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ મીણબત્તી પ્રગટાવી આંદોલન કરવામાં આવશે.

રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. ગત 16/09/2022નાં રોજ સરકાર સાથે મિટીંગ થઇ હતી, દરમિયાન ઘણાખરા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવાં સમાધાન કરાયુ હતું. અને સરકારે ખાતરી પણ આપી હતી. પરંતુ આ બાબતને ઘણો લાંબો સમય થયો હોવા છતાયે અમૂક પ્રશ્નોનાં ઠરાવો થયા નથી. અમૂક પ્રશ્નોમાં સમાધાન મુજબ ઠરાવો ન કરીને વિસંગતતા ઊભી કરીને કર્મચારીઓને મૂળ મળવાપાત્ર લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી ઠરાવો કરાયા નથી અને જે પ્રશ્નોના ઠરાવો થયેલા છે તે પણ અધૂરા છે, કે પછી વિસંગતતાઓ વાળા હોવાથી જે ખરેખર લાભ મળવા જોઇએ તે મળતા નથી. આથી મહામંડળ દ્વારા આગામી 19મીથી સરકારને અંધકારમાંથી બહાર લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ મીણબત્તી પ્રગટાવી આંદોલન કરવામાં આવશે.