ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા.
ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સંયુક્ત નેજા હેઠળ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને વિધાનસભા તરફ કૂચ કરતાં પોલીસે અટકાવ્યા હતા.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળાં વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી. આ સિવાય કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારે પડતર પ્રશ્નો ઉકેલવા માટે ઉદાસિન વલણ દાખવતા શુક્રવારે ફરીવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઊમટી પડ્યા હતા. જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્નોના ઉકેલ માટે કર્મચારીઓ ભારે સૂત્રોચારો કરી વિરોધપ્રદર્શન કર્યુ હતુ.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ સરકારી કર્મચારીઓમાં પડતર પ્રશ્નોની નિરાકરણની માગણી પ્રબળ બની છે. કર્મચારીઓ મુખ્યમંત્રીને વ્યક્તિગત મળીને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડી વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે એ પહેલાં જ પોલીસે અટકાવ્યો હતો. એેને કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઇન આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ કર્મચારીઓ સેલ્ફી પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરશે, જે મુખ્યમંત્રીને સીધું પહોંચાડવામાં આવશે. કર્મચારીઓએ કહ્યું હતું કે શનિવારે ચૂંટણી જાહેર થશે. એટલે તે પહેલા સરકાર અમારી માગ સ્વીકારે એવું ઈચ્છીએ છીએ.