નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે સરકારે રોડ મેપ બનાવ્યોઃ CM ભુપેન્દ્ર પટેલ
અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 112 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી સંકુલમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું. કોલેજના છાત્રો આત્મનિર્ભર બની રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે રાજ્ય સરકારે રોડ મેપ બનાવ્યો છે. આદિવાસી છાત્રોને પોતાના ઘરની નજીક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે. કોલેજના છાત્રો આત્મનિર્ભર બની રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. આ દિશામાં સરકાર દ્વારા કામ થઈ રહ્યું છે અને તેથી દેશમાં સ્ટાર્ટ અપમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.
આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી છાત્રો પોતાની શક્તિ અને જ્ઞાનનો લાભ દૂરદરાજના લોકોને મળે એવી રીતે કામ કરવાનું આહ્વાન કરતાં તેમણે જણાવ્યું કે ગરીબી નિર્મૂલન, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં હજુ વધુ યુવાનોની આવશ્યકતા છે અને પોતાની સુઝ તથા સમજથી લોકોની મુશ્કેલી દૂર કરવા માટે જરૂરી આવિષ્કાર કરે તો જ તેમણે મેળવેલું જ્ઞાન-શિક્ષણ લેખે લાગશે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાશક્તિનું યોગદાન મહત્વનું છે. રાજ્યના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના યુવાનો પણ દેશ અને દુનિયા સાથે કદમ મિલાવી આગળ વધે તે માટેની તમામ ભૌતિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ 1960 થી 2000 સુધી ગુજરાતમાં માત્ર 40 યુનિવર્સિટી હતી અને તેની સામે આજે 50 થી પણ વધુ વિશ્વ વિદ્યાલયો કાર્યરત છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આરોગ્ય અને શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી લઈ ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. જે આજે વટવૃક્ષ બની હજારો આદિવાસી વિધાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી રહી છે. આદિવાસી સમાજના ઉત્થાનમાં શ્રી ગોવિંદ ગુરુનું અમૂલ્ય પ્રદાન છે. આદિવાસી સમાજના શિક્ષણ, કૃષિ, મહિલાઓના વિકાસ માટે તેમણે કરેલા પ્રયાસોનો અભ્યાસ થવો જોઇએ. વિધાર્થીઓ તેમના જીવનનો અભ્યાસ કરીને તેમના જીવનમૂલ્યોને અનુસરે તે જરૂરી છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ નેક એક્રેડીડેશન માટે પ્રયાસ કરવો જોઇએ. શિક્ષણની ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને ચાલવા માટે એ જરૂરી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ અત્યારથી જ આ માટે પ્રયાસ કરવો જોઈએ.