જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટી પડતા સરકારને અઢી કરોડની આવક થઈ
જુનાગઢઃ જન્માષ્ટમીના તહેવારોમાં તમામ પર્યટન અને યાત્રાધામોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મલી હતી.જન્માષ્ટમીએ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે.
જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢના રોપ-વે, સક્કરબાગ ઝૂ, અને એસટી નિગમને ફળ્યો હતો. સાતમ-આઠમના તહેવારમાં જૂનાગઢમાં 2.60 કરોડની આવક થઈ હતી. 4 દિવસના મિની વેકેશનમાં 25 હજાર લોકોએ રોપ-વેની સફર કરી હતી.તેમજ 55 હજાર પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. 2.35 લાખ લોકોએ એસટી બસની મુસાફરી કરી હતી. 4 દિવસમાં જૂનાગઢમાં એસટી ડિવિઝનને 1.33 કરોડની આવક થઈ હતી. સક્કરબાગ ઝૂને 17 લાખની આવક થઈ હતી. જેથી સમજી શકાય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોની ડિમાન્ડ કેવી રહી હશે.
રોપ-વે શરૂ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમના દિવસના એક જ દિવસમાં 7,700 લોકોએ રોપ-વેની સફર માણી હતી. આ ઓલ ટાઇમ હાલએસ્ટ ટ્રાફિક રહ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી રોપ-વેની ગતિ પણ વધારી દેવાઈ હતી. જેથી પ્રવાસીઓની ડિમાન્ડને પહોંચી વળાય. ભીડ વધુ હોવાથી ઓનલાઈન બુકિંગમાં પણ ચાર કલાકનું વેઈટિંગ રહ્યું હતું. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રજાના 2 દિવસમાં કુલ 20,802 પ્રવાસી થકી ઝૂને 6,39,000ની આવક થઇ હતી. જ્યારે ટિકીટ લેવા માટે 4 બારી ખોલવા છતા ભારે ભીડના કારણે ટિકીટ લેવામાં પણ 1 કલાકનું વેઇટીંગ રહ્યું હતું. શનિવારે રાંધણછઠ્ઠના દિવસે 4,562 પ્રવાસી આવ્યા હતા જેનાથી 1,47,000ની આવક થઇ શિતળા સાતમના દિવસે ઝૂમાં 16,240 પ્રવાસી આવ્યા હતા જેનાથી 4,92,000ની આવક થઇ હતી. જૂનાગઢમાં ભીડ ઉમટી પડવાથી ગેસ્ટ હાઉસ પણ ફૂલ રહ્યા હતા, જેથી તેમની આવક પણ વધી હતી. આ સાથે જ ભવનાથમાં આવેલી જ્ઞાતિની વાડીઓ, ઉતારા પણ હાઉસફૂલ રહ્યા હતા.