- આધુનિક સુવિધાઓ ધરાવતી બસ ખરીદાશે
- કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા
અમદાવાદઃ ગુજરાતમાં પરિવહન માટે એસટી બસ દોડાવવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને એસટી બસની સુવિધા સાથે જોડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વધારે એક હજાર બસ ખદીરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી સજજ સ્લીપર કોચ અને લકઝરી બસો પણ દોડાવવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોરોનાની પરિસ્થિતિ સહિત, વિકાસના કામો અને પ્રજાની સુખાકારી સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા 1000 બસ ખદીરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એક હજાર બસો ખરીદવામાં આવશે. 52 પ્રવાસીઓની બેઠકની ક્ષમતાવાળી 500 સુપર એક્સપ્રેસ ફાળવવામાં આવશે. આકર્ષક લૂક અને આધુનિક સુવિધાઓ સાથેની 300 લકઝરી બસ અને 200 જેટલી સ્લીપર કોચ બસ ફાળવવામાં આવશે. આમ પ્રવાસીઓને બસમાં આધુનિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકમાં અત્યારે વધતી જતી કોરોના અંગેની સ્થિતિને લડવા માટે સરકારની તૈયારીઓ કરવા અંગે ચર્ચા થઈ હતી. બીજી તરફ વાઈબ્રન્ટ સિમિટ રદ કરવામાં આવી ત્યારે જે સમય બચ્યો છે તેનો ઉયોગ કરીને આગામી બજેટ અંગે તૈયારીઓની પણ ચર્ચા થઈ હતી.