દિલ્હી:આ દિવસોમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે દિલ્હી સરકારે શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. તેથી શિક્ષણ નિયામક દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે શિયાળુ વેકેશન હેઠળ દિલ્હીની તમામ સરકારી શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રહેશે.અને ધોરણ 9 થી 12 ના વર્ગો માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડીયલ કલાસ આવશે.
ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન, દિલ્હી દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર ન થવી જોઈએ,તેથી રેમેડીયલ કલાસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વર્ગોનો હેતુ અભ્યાસક્રમમાં સુધારો કરવાનો અને વિદ્યાર્થીઓની શીખવાની કુશળતા વધારવાનો છે. રેમેડીયલ કલાસ દરમિયાન, વિદ્યાર્થીઓને વિષયના મૂળભૂત ખ્યાલો સમજાવવામાં આવશે.
પરિપત્ર મુજબ 1 જાન્યુઆરી 2023 થી 15 જાન્યુઆરી 2023 સુધી તમામ સરકારી શાળાઓમાં શિયાળુ વેકેશન રહેશે.જ્યારે ડબલ શિફ્ટની શાળાઓમાં અલગ-અલગ પાળીમાં વર્ગો યોજાશે.
પરિપત્રમાં જણાવાયું છે કે,જો શાળામાં જગ્યાની અછત હોય, તો સાંજની પાળીના શાળા સંચાલકો સંબંધિત નાયબ શિક્ષણ નિયામક (DDE) સાથે સંપર્ક કરી શકે છે અને સાંજની પાળીનો વિકલ્પ પસંદ કરી શકે છે.
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને પરેશાની થવા લાગી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.આ સાથે ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાને કારણે કેટલાક વિસ્તારોમાં શિયાળો વધવાની આશંકા છે.