પશુઓ માટે મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો: કેન્દ્રીય મંત્રી
અમદાવાદઃ પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એમ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્ય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પશુઓના આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. દેશમાં પશુઓના રસીકરણ માટે રૂ. 13 હજાર કરોડનું બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. આઝાદી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં અલાયદુ પશુપાલન મંત્રાલય બનાવ્યું છે. રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, દેશમાં વિશ્વ બેંકના સહયોગથી પશુ આરોગ્યના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. પશુઓમાં રોગચાળા નિયંત્રણ માટે AP મોડેલ એપ તૈયાર કરવામાં આવી છે.
ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલયના પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને યુનાઇટેડ નેશન્સ (એફએઓ)ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે એન.ડી.ડી.બી. આણંદ ખાતે G20ના એગ્રીકલ્ચર વર્કિંગ ગૃપ (AWG) હેઠળ ઈન્ટરનેશનલ સીમ્પોઝિયમ ઓન સસ્ટેનેબલ લાઈવસ્ટોક ટ્રાન્સફોર્મેશન (ટકાઉ પશુધન પરિવર્તન) વિષયક બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશ્વના 13 દેશોના પ્રતિનિધિઓ સહિત ડેરી ઉદ્યોગ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો છે.
રાજ્ય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના ડેરી ઉદ્યોગને પહોચાડવાનો અવકાશ મળ્યો છે, ત્યારે આ પરિસંવાદના માધ્યમથી ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિદેશમાં થઈ રહેલા સંશોધનો અંગે દેશના પશુપાલકોને જાણકારી મળી રહેશે. પશુઓના આરોગ્ય સંબંધી વન હેલ્થનો ખ્યાલ કેવી રીતે સાકાર કરી શકાય તે અંગે ગહન ચિંતન પરિસંવાદમાં થનાર છે. આ પરિસંવાદમાં વધુ સારા ઉત્પાદન, પોષણ, પર્યાવરણ અને જીવન માટે વધુ કાર્યક્ષમ, સમાવેશી, સ્થિતિ સ્થાપક અને સ્થાયી કૃષિ-આહાર પ્રણાલી પર પરિવર્તિત થવા માટે કરવામાં આવેલી કાર્યવાહીઓના પુરાવા તૈયાર કરાશે. જે ટકાઉ વિકાસના ધ્યેયોને (SDG) હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે તેમ રૂપાલાએ ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, દેશમાં પશુઓની સારી ઓલાદ માટે ટેકનોલોજી ટ્રાન્સફર સાથે બ્રીડ ઇમ્પૃવમેન્ટ, જીનોમિક ટ્રાન્સફર સહિત ભારતીય સંસ્કૃતિની પરંપરાગત પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. પશુઓમાં 30 જેટલા રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ઢબે એક જ દવા ઈથેનો વેટરનરી મેડીસીન (EVM) આર્યુવેદ પદ્ધતિથી વિકસાવવા આવી છે. જે પશુપાલકો માટે ખૂબ જ ઉપકારક રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. અમૂલને દુનિયાનું શ્રેષ્ઠ સહકારિતા મોડેલ ગણાવતા મંત્રીએ જણાવ્યું કે, અમૂલ મોડલ પશુપાલકો અને ખેડૂતોને પોતાના ઉત્પાદનનું 75 ટકા જેટલું વળતર આપે છે.
કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના સચિવ અલ્કા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 1.30 બિલિયન લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા 600 મિલિયન છે. જેનો વૈશ્વિક કૃષિ ક્ષેત્રમાં 40 ટકા જેટલું યોગદાન રહેલું છે. ટકાઉ પશુધન વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંઓની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. દેશના ડેરી ઉદ્યોગમાં મહિલાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. દૂધ સહકારી મંડળીઓ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામ્ય આજીવિકા મિશન હેઠળ ડેરી અને પોલ્ટ્રી ક્ષેત્રે મહિલાઓને જોડીને મહિલા સશક્તિકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
આ પ્રસંગે વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન એનિમલ હેલ્થના એશિયા પેસિફિકના વિભાગીય પ્રતિનિધિ ડૉ. હિરોફુમી કુગીતા, યુનાઈટેડ નેશનના ફુડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન ભારતના પ્રતિનિધિ ટાકાયુકી હગીવારા, ઈન્ટરનેશન ડેરી ફેડરેશનના ડાયરેક્ટર જનરલ સુશ્રી કેરોલીન ઈમન્દે પ્રાસંગિક પ્રવચનમાં જલવાયુ પરીવર્તનની વૈશ્વિક સમસ્યા સામે ટકાઉ પશુધનના સતત વિકાસ માટે ઉભા થયેલા પડકારો અને તેના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.